• Gujarati News
  • સિદ્ધપુરમાં માલગાડી પાટા પરથી ઉતરી ૩૦૦ મીટર ચાલી

સિદ્ધપુરમાં માલગાડી પાટા પરથી ઉતરી ૩૦૦ મીટર ચાલી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. સિદ્ધપુર
સિદ્ધપુર રેલવે સ્ટેશનથી બિંદુ સરોવર રેલવે ક્રોસીંગ વચ્ચે અચાનક એક માલગાડી વ્હીલ પાટા પરથી નીકળી જતાં માલગાડી રામભરોસે ૩૦૦ મીટર સુધી ચાલી હતી ત્યારબાદ તે ડબ્બાની પ્રેશર પાઇપ તૂટી જતાં રેલવે સ્ટેશનથી ૧૦૦ મીટરના અંતરે ગાડી ઉભી રહી હતી. ત્રણ ટ્રેક પૈકીના માલગાડી ટ્રેક પર આ ઘટના બનતાં મોટી સમસ્યા સર્જા‍તાં રહી ગઇ હતી.
આ અંગે રેલવે તંત્રના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે મોટીખાવડીથી ખાતર ભરીને એમટીકેડી માલગાડી સિદ્ધપુર આવી રહી હતી તે દરમિયાન બરાબર ૩-પપ કલાકે બિંદુસરોવર ફાટક પાસેથી ટ્રેન પસાર થતાં એન્જિનથી છઠ્ઠા નંબરના ડબ્બાના ચાર વ્હીલ અચાનક પાટા પરથી ઉતરી ગયા હતા અને તેજ સ્થિતિમાં ગાડી ચાલી હતી. જેથી તે બાજુનો ડબ્બો નમી ગયો હતો અને રસ્તામાં આવતાં પાટા તેમજ વચ્ચેના લાકડાના સપો‌ર્ટ તોડતી ગાડી અંદાજિત ૩૦૦ મીટર સુધી ખેંચાઇ હતી અને બરાબર સિદ્ધપુર રેલવે સ્ટેશનથી ૧૦૦ મીટરના અંતરે આવીને તે ડબ્બા નીચેની પ્રેશર પાઇપ તૂટી જતાં ગાડી અટકી પડી હતી. જેને લઇને તાબડતોડ રેલવેમાં અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને લોકોના ટોળે ટોળા ઉમટયા હતા. જેથી તાત્કાલીક આરપીએફ, એસઆઇપીએફ સુરેશચંદ્ર અને કુલદીપભાઇએ લોકોને દૂર કર્યા હતા.
ઘટનાની જાણ થતાં એઇએન મહેસાણા, સીપીડબલ્યૂઆઇ મહેસાણા, બી.એસ.પસેરા, સીએનઆઇ મહેસાણા, સીઆઇ અનુજભાઇ, એલઆઇ લોકેશ ઠક્કર સહિ‌ત રેલવેના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલીક કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, આ બનાવ કયા કારણે સર્જા‍યો તે અંગે કોઇ અધિકારીએ સ્પષ્ર્ટીકરણ કર્યું નહોતુ માત્ર કાર્યવાહી ચાલુ હોવાનું જણાવ્યું હતું.