• Gujarati News
  • જેતપુરામાં ગરબો વળાવવાની બાબતે બે જૂથ વચ્ચે પથ્થરમારો

જેતપુરામાં ગરબો વળાવવાની બાબતે બે જૂથ વચ્ચે પથ્થરમારો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સામસામા હુમલામાં ત્રણથી ચાર જણાને ઇજા, ૧૮ જણા વિરુદ્ધ ફરિયાદ
ભાસ્કર ન્યૂઝ.કડી
કડી તાલુકાના જેતપુરા ગામે જેતઇ માતાજીના ફૂલોના ગરબા વળાવવા બાબતે થયેલી બોલાચાલીએ મોટું સ્વરૂપ ધારણ કરતાં બે જૂથ સામ સામે આવી જતાં એકબીના ઉપર પથ્થરમારો કરતાં ત્રણથી ચાર જણાને ઇજાઓ પહોંચી હતી. બનાવ સંદર્ભે નંદાસણ પોલીસે બંને જૂથના ૧૮ જણા વિરુદ્ધ રાયોટિંગની ફરિયાદ નોંધી એક હુમલાખોરની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
જેતપુરા ગામે જેતઇ માતાજીના વર્ષો જૂની પરંપરા મુજબ દિવાળીએ ફૂલોના ગરબા ગામ સમસ્ત કાઢવામાં આવે છે. જેમાં ત્રણ દિવસના ગરબાના આયોજન બાદ માતાજીના ગરબા વળાવવાનો સમય બુધવારનો આવતા ગામના કેટલાક માણસોએ બુધવારે માતાજીનો ગરબો વળાવવાની ના પાડતાં બુધવારે રાત્રે બોલાચાલી થઇ હતી. જેમાં રબારી અને ઠાકોર જૂથના માણસો હાથમાં દાંતી, લાકડી અને સળીયા લઇને સામ સામે આવી ગયા હતા અને પથ્થરમારો પણ કર્યો હતો. આ ઘટના અંગે બાવલુ પોલીસને જાણ થતાં પીએસઆઇ વી.જે. ચૌધરી સ્ટાફ સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને પરિસ્થિતિને કાબુ કરી હતી.
દરમિયાન બાવલુ પોલીસે ઠાકોર કાળાજી બચુજીની ફરિયાદ આધારે સંજયભાઇ મફાભાઇ રબારી સહિ‌ત આઠ જણા વિરુદ્ધ, જ્યારે સામાપક્ષે રબારી લક્ષ્મણભાઇ નેહરભાઇની ફરિયાદ આધારે ઠાકોર બીજલજી સોનાજી સહિ‌ત ૧૦ વિરુદ્ધ રાયોટિંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાવ સંદર્ભે પોલીસે ઠાકોર બીજલજી સોનાજીની ધરપકડ કરી અન્ય ફરાર આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. ગામમાં વધુ કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.