• Gujarati News
  • નર્મદાની માઇનોરમાં પાણી પહેલાં જ ભંગાણ

નર્મદાની માઇનોરમાં પાણી પહેલાં જ ભંગાણ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છ મહિ‌ના પહેલા બનેલી માઇનોર કેનાલ લાઇનમાં ઠેર ઠેરગાબડા પડયાં

પાણી ચાલુ થશે ત્યારે કેવા હાલ થશે તેની ખેડૂતોને ચિંતા



ભાસ્કર ન્યૂઝ. શંખેશ્વર

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદાના પાણી કેનાલ દ્વારા છેવાડાના ગામો સુધી પહોંચે અને લોકોને પીવાનું અને પિયતનું પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા યુદ્ધના ધોરણે કેનાલના કામ હાથ ધરવામાં આવ્યાં છે ત્યારે શંખેશ્વર તાલુકાના ખંડીયાગામની સીમમાંથી નીકળતી બોલેરા બ્રાન્ચમાંથી કંચનપુરા માઇનોર ઠેર-ઠેર ગાબડા પડતાં ખેડૂતોમાં આક્રોશ વ્યાપ્યો છે.

શંખેશ્વર તાલુકાનો વઢીયાર પંથક રણકાંઠાને અડીને આવેલો સૂકો પ્રદેશ છે. આ વિસ્તારમાં પાણીનો મુખ્ય પ્રશ્ન છે અને લોકો નર્મદાની કેનાલ ચાલુ થાય તેની ચાતક નજરે રાહ જોઇ બેઠાં છે ત્યારે બોલેરા બ્રાન્ચની મુખ્ય કેનાલમાંથી મુજપુર થઇ સબ માઇનોર લાઇન રણોદ, રૂની, ખંડીયા અને કંચનપુરા સુધી પહોંચતી લાઇનોની છ મહિ‌ના પહેલા કામગીરી કરવામાં આવી હતી. જેમાં ખંડીયા ગામની સીમમાં ત્રણ જગ્યાએ ચોમાસામાં લાઇન તૂટી જતાં મોટા ગાબડાં પડવા પામ્યા હતા. જેથી ખેડૂત વર્ગમાં કેનાલનું કામ કરતાં કોન્ટ્રાક્ટરો અને તંત્ર પ્રત્યે આક્રોશ ફેલાયો છે અને હજુ પાણી પણ ચાલુ થયા નથી તે પહેલા કેનાલો તૂટી ગઇ છે ત્યારે પાણી ચાલુ થયા પછી શું પરિસ્થિતિ થશે અને ખેતીના ઉભા પાકમાં પાણી ફરી વળશે તેવી દહેશત વ્યક્ત કરી હતી. તંત્ર દ્વારા વિસ્તારમાં લાઇનોની તપાસ કરવાની માંગણી ઉઠી રહી છે.



કેનાલ વરદાનને બદલે શાપરૂપ બની જશે

નર્મદાની કેનાલો બનાવવામાં ચોમાસુ પાણીના નિકાલના કોઇ રસ્તા મૂકાયા નથી. કામમાં પણ કોઇ મજબૂતાઇ નથી. હજુ પાણી પણ ચાલુ થયા નથી અને કેનાલો તૂટવા લાગી છે. પાણી ચાલુ થાય પછી આવી પરિસ્થિતિ રહેશે તો ખેડૂતોના ઉભા મોલને મોટુ નુક્સાન થશે. કેનાલ લોકો માટે વરદાનની જગ્યાએ શાપરૂપ સાબિત ન થાય તે માટે તંત્ર ધ્યાન આપે.

- કટુદાનભાઇ ગઢવી ((ખેડૂત અગ્રણી, ખંડીયા)), ભુરાજી ઠાકોર ((ખેડૂત અગ્રણી, કંચનપુરા))



ફોટો-૩૪/૩પ/૩૬

શંખેશ્વર તાલુકાના ખંડીયા ગામની સીમમાંથી પસાર થતી માઇનોર કેનાલ શરૂ થતાં પહેલા જ ભંગાણ સર્જા‍યા હતા. ((સુરેશ જોષી))