• Gujarati News
  • જિલ્લામાં આજથી સમગ્ર જનજીવન આર્થિ‌ક રફતાર પકડી લેશે

જિલ્લામાં આજથી સમગ્ર જનજીવન આર્થિ‌ક રફતાર પકડી લેશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિવાળીના તહેવારો બાદ નવા વર્ષનો કારોબાર વેપાર-વાણિજ્ય ક્ષેત્રે ફરીથી આરંભાશે
ભાસ્કર ન્યૂઝ. પાટણ
વિક્રમ સંવત ર૦૭૦નો આરંભ થઇ ગયો છે ત્યારે દિવાળીની રજાઓ બાદ જિલ્લા મથક પાટણનો વેપાર-વાણિજ્ય શનિવારે શુભ-લાભની નવી આશા અરમાનો સાથે નવા વર્ષનો કારોબાર આરંભશે તે સાથે સુષુપ્ત રીતે બે દિવસમાં ચાલુ-બંધ થતાં બજારો પૂર્ણ વેગથી ધમધમી ઉઠશે. પાટણ ઉપરાંત સિદ્ધપુર, ચાણસ્મા, હારીજ, રાધનપુર, વારાહી, શંખેશ્વર જેવાં વેપારી મથકો પણ વેપાર-ધંધા શનિવારથી આરંભાઇ જશે.
શહેરમાં શુક્રવારે છઠ્ઠના દિવસે બજારમાં ધીમેધીમે વેપારી સ્થળો ખૂલવા લાગ્યાં હતા. પાંચમે મુહૂર્ત ન હોવાથી સાતમે સમગ્ર બજાર ધમધમતું થવાના નિર્દેશ બજારના સૂત્રોએ આપ્યા હતા. પરંતુ શુક્રવારે સવારથી મેઇન બજારની દુકાનો ખૂલી જવા પામી હતી. મોટાભાગની દુકાનોમાં વેપાર-રોજગાર શરૂ થયા હતા. તો કેટલીક દુકાનો બંધ જોવા મળી હતી. જૂનાગંજ બજાર, હિંગળાચાચર, દોશીવટ બજાર, રેલવે સ્ટેશન રોડ, એસટી સ્ટેશન રોડ, રાજમહેલ રોડ સહિ‌ત હાઇવે પર વેપારી એકમો ખૂલ્લા જોવા મળ્યા હતા. જોકે, સંપૂર્ણપણે ધમધમાટ અને વેપારી વ્યવહારો આરંભાઇ ગયા નહોતા. તે શનિવારે સાતમથી થશે. જોકે, શનિવારે જલારામજ્યંતી હોવાથી લોહાણા સમાજના વેપારીઓની દુકાનો મુહૂર્ત પછી બંધ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં
આવી હતી.
જિલ્લામાં પાટણ જિલ્લા મથક ઉપરાંત સિદ્ધપુર, ચાણસ્મા, હારિજ, રાધનપુર, વારાહી, શંખેશ્વર સહિ‌ત અન્ય વેપારી મથકોમાં પણ શનિવારથી તમામ પ્રકારે વેપાર કારોબાર શરૂ થઇ જતાં સમગ્ર જનજીવન ફરીથી આર્થિ‌ક રફતાર ધારણ કરી લેશે તેવું વેપારક્ષેત્રના વેપારીઓએ જણાવ્યું હતું.