• Gujarati News
  • પાટણમાં ગરમીનો પારો ૪૧ ડિગ્રી પહોંચ્યો

પાટણમાં ગરમીનો પારો ૪૧ ડિગ્રી પહોંચ્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. પાટણ
પાટણ શહેર તેમજ જિલ્લામાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત ચાલુ રહ્યો છે. જેમાં શનિવારે ૪૧ ડિગ્રી ગરમીથી શહેરીજનો ત્રાહિ‌મામ પોકારી ગયાં હતા. ગરમી સાથે ગરમ લૂએ સૌ કોઇને અકળાવી દીધા હતા. જેના લીધે બપોરના સુમારે બજારમાં અવરજવર પાંખી જણાઇ હતી. રવિવાર અને સોમવારે પણ અસહ્ય ગરમી પડવાનો વર્તારો હવામાન વિભાગનો છે.
શનિવારે ચોથો શનિવાર હોવાથી સરકારી કચેરીઓ અને કો‌ર્ટ વગેરેમાં રજા હોવાથી કચેરીઓ સૂમસામ બની હતી તેવામાં ભારે ગરમીના લીધે શહેરની બજારમાં પણ અવરજવર ઘટવા પામી હતી. રેલવે સ્ટેશનથી બગવાડા થઇ ત્રણ દરવાજા અને કનસડા દરવાજાના સીધા મેઇન બજારમાં વાહનોનો ટ્રાફિક પણ બપોરના સમયે નોંધપાત્ર માત્રામાં ઘટી ગયો હતો. તેમાં પણ એકથી ત્રણ વાગ્યાના ગાળામાં રીક્ષાઓની અવરજવર પણ ઘટી જવા પામી હતી.
શનિવારે ૧૦૬ ડિગ્રી ફેરનહીટ એટલે કે ૪૧.૧૧ ડિગ્રી ગરમીનો અહેસાસ થયો હતો. દિવસભર આકાશમાં સફેદ વાદળો પણ અંશત: જોવા મળ્યાં હતા તેમ છતાં ગરમીનો પારો ઉંચકાયેલો રહ્યો હતો. એટલું જ નહીં ૧૩ કિમીની ઝડપે પવન પણ ચાલુ હતો પવન ગરમ લૂ લઇ આવતો હોવાથી રાહદારીઓ અને વેપારી સૌ કોઇ પરસેવે રેબઝેબ થયા હતા.