• Gujarati News
  • બળબળતો ઉનાળો : સવારે પણ બપોરનો તાપ!

બળબળતો ઉનાળો : સવારે પણ બપોરનો તાપ!

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.મહેસાણા

શહેર સહિ‌ત જિલ્લાવાસીઓ માટે સોમવારનો દિવસ આકરો થઇ પડયો હતો. સવારથી જ વાતાવરણમાં આગ ઓકતી ગરમીને પગલે લોકો પરસેવે રેબઝેબ થઇ ઉઠયા હતા. બપોરે તો ગરમીનો પારો ૪પ ડિગ્રી સે થતાં આકાશમાંથી રીતસરની લ્હાય ફેંકાતી હતી. જેને પગલે શહેરના બજાર સહિ‌ત ભરચક વિસ્તાર પણ સૂમસામ બન્યા હતા. જોકે સમી સાંજે બનાસકાંઠા અને સાબરકાંઠા પંથકમાં વરસાદી ઝાપટા થતાં અહીં ઠંડા પવન ફૂંકાતાં કેટલેક અંશે રાહત થવા પામી હતી.

મહેસાણાવાસીઓ ૪૪ ડિગ્રી સેલ્શિયસ તાપમાનમાં રવિવારે શેકાયા બાદ સોમવારે સવારથી જ પરસેવે રેબઝેબ બન્યા હતા. રવિવારની આકરા તાપને લીધે સોમવારે સવારથી જ ગરમીનો પારો શરૂઆતથી જ ઉંચો રહ્યો હતો. સવારે ૯ વાગ્યાના અરસામાં મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રી સે. નોંધાયું હતું. જેને પગલે સવારે જ બપોરનો માહોલ સર્જા‍યો હતો. ત્યાર બાદ તો આકાશમાંથી રીતસર અગનગોળા જ વરસ્યા હતા. સૂરજ મધ્યાહને જતાં બપોરે અઢી વાગ્યાના અરસામાં મહત્તમ તાપમાન ૪પ ડિગ્રી સે. નોંધાયું હતું. અસહ્ય ગરમીને લીધે માનવ સહિ‌ત પશુ પંખીઓની હાલત પણ કફોડી બનવા પામી હતી. ઘર કે ઓફિસમાં પંખા, કુલર ચાલુ હોવા છતાં લોકોને આકરૂ થઇ પડયું હતું. શરીર બાળતી ગરમીમાં મહેસાણાવાસીઓને બપોર કાઢવી આકરી થઇ પડી હતી. જોકે સાંજે બનાસકાંઠા અને સાબરકાંઠા પંથકમાં વરસાદી ઝાપટા થતાં અહીં ઠંડા પવન ફૂંકાતાં સાંજે સાડા છ વાગ્યાના અરસામાં કેટલેક અંશે રાહત થવા પામી હતી.