• Gujarati News
  • જમીનકૌભાંડ નુગર,ગીલોસણ ગામની સરકારી જમીન અંગે ઇ ધરા કેન્દ્રમાં હક્કપત્રકની નોંધ પડાવવા જતાં ભ

જમીનકૌભાંડ નુગર,ગીલોસણ ગામની સરકારી જમીન અંગે ઇ-ધરા કેન્દ્રમાં હક્કપત્રકની નોંધ પડાવવા જતાં ભાંડો ફૂટયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરકારી માલિકીની જમીનના બારોબારિયામાં મહેસાણા મામલતદારે એ ડિવિઝન પોલીસ મથકમાં બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં ખળભળાટ
ભાસ્કરન્યૂઝ.મહેસાણા
મહેસાણા તાલુકાના નુગર તેમજ ગીલોસણ ગામે આવેલી સરકારી જમીનના બનાવટી દસ્તાવેજો ઉભા કરી ઇ-ધરામાં ખોટી નોંધ ઉભી કરવાનું કૌભાંડ પ્રકાશમાં આવતાં વહીવટી તંત્ર પણ ચોંકી ગયું છે. આ બાબતે મામલતદારે એ ડિવિઝન પોલીસ મથકમાં બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં તપાસ હાથ ધરાઈ છે.
પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ, મહેસાણા તાલુકાના નુગર ગામે રહેતા ખોડાભાઇ કાળાભાઇ રબારીએ ગામની સીમમાં આવેલા સરવે નં. ૧૯૯/૧ વાળી સરકારી જમીન હડપ કરવા આ જમીનના કોમ્પ્યુટરરાઇઝ રેક‌ર્ડ‌ તેમજ ૭/૧૨ના પાણીપત્રકના મેળવેલા નમૂનાને આધારે બનાવેલા બનાવટી દસ્તાવેજનો ખરા તરીકે ઉપયોગ કરી જમીન કૌભાંડ આચર્યું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ખોડાભાઇએ ઉપરોક્ત વિવાદાસ્પદ જમીન પોતાના નામે દાખલ કરાવવા તા.૧૦-૧૦-૨૦૧૩ના રોજ મામલતદાર કચેરી સ્થિત ઇ-ધરા કેન્દ્રમાં અરજી આપી હતી. જેના આધારે કોમ્પ્યૂટરરાઇઝ રેક‌ર્ડ‌માં હક્કપત્રકમાં નોંધ પડાવી જમીન પોતાના નામે કરાવવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. આજ રીતે તાલુકાના ગીલોસણ ગામના પીરૂમીયાં રહેમતખાં સિપાઇએ ગામમાં આવેલા સરવે નં. ૩૪૮/૧વાળી સરકારી જમીન હડપ કરવા જમીનના બનાવટી દસ્તાવેજો ઉભા કરી તેને ખરા તરીકે મહેસાણા મામલતદાર ઇ-ધરા કેન્દ્રમાં રજૂ કર્યા હતા. તેઓએ જમીનને લગતા હક્કપત્રકમાં ખોટી નોંધો પડાવી સરકારી જમીન પોતાના નામે કરી કૌભાંડ આચર્યું હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.
આ બાબતે મહેસાણા મામલતદાર વિપુલ ઠક્કરે શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ખોડાભાઇ કાળાભાઇ રબારી તેમજ પીરૂમીયાં રહેમતખાન સિપાઇ વિરુદ્ધ છેતરપીંડીનો ગુનો નોંધાવતાં પીએસઆઇ જી.કે.બારોટે તપાસ હાથ ધરી છે.