• Gujarati News
  • જિલ્લામાં કાયદો વ્યવસ્થા કથળી : એક જ દિવસમાં હત્યાના બે બનાવથી અરેરાટી

જિલ્લામાં કાયદો વ્યવસ્થા કથળી : એક જ દિવસમાં હત્યાના બે બનાવથી અરેરાટી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મગપરા વિસ્તારમાં ઓવરટેક કરવા મામલે ચાર જણાએ છરીના ઘા ઝીક્યા
ભાસ્કરન્યૂઝ.મહેસાણા
મહેસાણાના મગપરા રોડ ઉપર ગુરુવારે સાંજે ઓવરટેકના મામલે સિદ્ધપુરના ભંગારના વેપારીની છરીના અસંખ્ય ઘા મારી મોતને ઘાટ ઉતારવાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં કરફ્યું જેવો માહોલ સર્જા‍યો હતો. ચાર શખ્સોએ હત્યાને અંજામ આપ્યો હોવાનું હાલના તબક્કે મનાઇ રહ્યું છે ત્યારે મહેસાણા બી ડિવિઝન પોલીસે મૃતકની લાશનું શહેરની સિવિલમાં પોસ્ટમો‌ર્ટમ કરાવવા સહિ‌તની કાર્યવાહી હાથ ધરી હતી તો બીજીબાજુ ઘટના સ્થળે પહોંચેલી મહેસાણા એલસીબી સહિ‌તની પોલીસ ટુકડીઓએ મોડી રાત સુધી સ્થાનિક રહિ‌શો તેમજ વેપારીઓના નિવેદન લઈ હત્યારાઓ સુધી પહોંચવાની દિશામાં તપાસ લંબાવી હતી.
મૂળ ખેરાલુ તાલુકાના લુણવા ગામના વતની અને હાલમાં સિદ્ધપુર સ્થાયી થયેલા સોએદ ગુલુભાઇ મેમણ કાકોશી ફાટક પાસે ભંગારની દુકાન ધરાવે છે. ગુરુવારે બપોરે ૧૨ કલાકે તે પોતાના નોકર સિકંદર સાથે ઘરેથી એમએચ-૦૬-એફ-૬૬૧૪ નંબરની એસ્ટીમ ગાડીમાં કલોલ ગયા હતા અને કલોલથી વેચાણ રાખેલુ બાઇક નોકર સિકંદરને ચલાવવા આપી તેઓ પરત સિદ્ધપુર જવા રવાના થયા હતા. જો કે, સાંજે ૬-૦૦ કલાકે નમાજ પઢવાનો સમય થતાં તેઓ મહેસાણા રેલવે કોલોનીની બાજુમાં આવેલા મસ્જિદ તરફ જતા હતા ત્યારે ઓવરટેક મામલે બોલાચાલી થઈ હતી. દરમિયાન ચાર શખ્સો સોએદ મેમણને ગાડીમાંથી બહાર ખેંચી કાઢી અપશબ્દો બોલતાં મામલો ગરમાયો હતો અને એક શખ્સ ઉશ્કેરાઇ જઇ સોએદ મેમણની છાતી સહિ‌તના ભાગોએ છરીના અસંખ્ય ઘા મારી ભાગી જતાં અરેરાટી પ્રસરી હતી. ઇજાગ્રસ્ત અનુસંધાન પાના નં.૮ પર...
મુસ્લિમ યુવાનને સારવાર માટે ખસેડયાની ગણતરીની મિનિટોમાં જ તેનું મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં મુસ્લિમ સમાજના ટોળા જામ્યા હતા.
વાહન ચાલકો તેમજ સ્થાનિક રહિ‌શોની માનવતા મરી પરવારી
હત્યા બાદ લોહીથી લથપથ હાલતમાં પડેલા સોએદ મેમણને તાત્કાલિક સારવાર માટે લઇ જવા હાજર તેના નોકર સિકંદરે સ્થાનિક રહિ‌શો તેમજ અત્રેથી પસાર થતા વાહન ચાલકો સમક્ષ કાકલુદી કરી હતી. પરંતુ જાણે માનવતા મરી પરવારી હોય તેમ તેની મદદે કોઇ ન આવતાં મુસ્લિમ યુવાનને જાન ગુમાવવાનો વારો આવ્યો હતો.
સોનાનાં ઘરેણાં પહેરનારો હત્યારો કોણ?
હત્યા સમયે હાજર સિકંદર મેમણના પોલીસે લીધેલ નિવેદન દરમિયાન કેટલીક મહત્ત્વની કડીઓ હાથ લાગી હતી. જેમાં ઓવરટેક કરવા બાબતે અપશબ્દો બોલી હાથમાં સોનાની લકી તેમજ વીંટીઓ પહેરેલા શખ્સે સોએદ મેમણ ઉપર છરીઓના અસંખ્ય ઘા માર્યા હતા. આ સમયે સિકંદરે તમામને વાળવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો પરંતુ ચારે હુમલાખોરો ઘટના સ્થળેથી નાસી છૂટયા હતા.
સોએદ મેમણને મોત મહેસાણા તરફ ખેંચી લાવ્યું
કલોલથી બાઇક ખરીદીને સિદ્ધપુર તરફ જઇ રહેલા સોએદ મેમણે તેના નોકર સિકંદરને પ્રથમ ઉનાવા દરગાહે નમાજ પઢવાની વાત કરી હતી. પરંતુ સંધ્યાકાળ થતાં તે ઊંઝા તરફ જવાને બદલે મહેસાણા રેલ્વે કોલોની તરફ વળી ગયો હતો. આ સમયે રાધનપુર ચાર રસ્તે બાઇક બંધ પડી જતાં સિકંદરે તેના માલિક સોએદ મેમણને ફોન કરી પરત બોલાવ્યા બાદ તેઓ પુન: દરગાહ તરફ ગયા હોવાનું પણ પ્રકાશમાં આવ્યું છે.