• Gujarati News
  • પાલિકા દ્વારા વેરા વસૂલાત ઝૂંબેશ સઘન કરાશે

પાલિકા દ્વારા વેરા વસૂલાત ઝૂંબેશ સઘન કરાશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાલુ વર્ષની વેરા વસૂલાત ૮૦.૬૨ ટકા જ્યારે પાછલી બાકીની વસૂલાત માત્ર ૧૭.૯૧ ટકા
૪પ રિઢા બાકીદારોને નોટિસ પાઠવતાં ૨૧ બાકીદારો વેરો ભરી ગયા
કેટલાક બાકીદારોએ રૂ.૧૨.પ લાખના પોસ્ટ ડેટેડ ચેક જમા કરાવ્યા
ભાસ્કર ન્યૂઝ.મહેસાણા
નાણાંકીય વર્ષનો છેલ્લો માસ અડધો થવા આવ્યો હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા હજુ માંડ ૪૯.પપ ટકા જેટલી વેરા વસૂલાત થઈ છે. જેમાં ચાલુ વર્ષની વેરા વસૂલાત તો ૮૦.૬૨ ટકાએ પહોંચી છે પરંતુ રિઢા બાકીદારોની પાછલા વર્ષોની વસૂલાત માંડ ૧૭.૯૧ ટકા જેટલી જ થઈ હોઈ પાલિકા તંત્ર દ્વારા વેરા વસૂલાત ઝૂંબેશને વધુ સઘન બનાવવાની કવાયત હાથ ધરાઈ છે.
મહેસાણા નગરપાલિકા વિસ્તારમાં અંદાજીત ૭૦ હજાર જેટલી મિલકતો આવેલી છે. જે મિલકતો પૈકી કેટલાક રિઢા બાકીદારોએ અગાઉના વર્ષોમાં મિલકત વેરો ન ભર્યો હોય તેવી કુલ રૂ.૧૨.૦૨ કરોડની વેરા વસૂલાત બાકી હતી. જ્યારે વર્ષ ૨૦૧૩-૧૪ના વેરા પેટે પાલિકાએ કુલ રૂ.૧૨.૨૪ કરોડની વસૂલાત કરવાની થતી હતી. પાલિકા દ્વારા અમલી બનાવાયેલી ૧૦ ટકા રિબેટની યોજના અંતર્ગત મોટા ભાગના જાગૃત નાગરિકોએ સમયસર વેરો ભરી દીધો હતો. જ્યારે અન્ય બાકીદારોનો સંપર્ક કરતાં તેમણે પેનલ્ટી સાથે વેરો ભરી દેતાં અત્યાર સુધી ચાલુ નાણાંકીય વર્ષની વેરા વસૂલાત કુલ રૂ.૯.૮૭ કરોડ એટલે ૮૦.૬૨ ટકા થઈ છે. જો કે, રિઢા બાકીદારોને માગણાં બિલ ઈસ્યુ કરાયા બાદ પણ વેરો ન ભરાતાં વેરાશાખા તથા ઠેકેદાર દ્વારા ફોન કરીને કે રૂબરૂ સંપર્ક કર્યા બાદ પણ હજું માંડ રૂ.૨.૧પ કરોડ એટલે કે ૧૭.૯૧ ટકા વસૂલાત થઈ છે. નાણાંકીય વર્ષ પૂરું થવાના આરે છે ત્યારે પાલિકા દ્વારા વેરા વસૂલાત ઝૂંબેશ વધુ સઘન કરવાની કવાયત હાથ ધરાઈ છે.
રિઢા બાકીદારોનાં નળ જોડાણ કાપવાની કે મિલકત ટાંચ લેવાની કાર્યવાહી કરાશે
પાલિકાના વેરા શાખાના સ્ટાફ તથા વેરા વસૂલાત ઠેકેદાર દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી વેરો ભરવામાં ઠાગાઠૈયા કરતા મિલકતધારકોનો સંપર્ક કરીને કે નોટિસ પાઠવીને તેમને વેરો ભરી જવા તાકીદ કરાઈ છે. જો કે, તેમ છતાં હજું કેટલાય રિઢા બાકીદારોનાં પેટનું પાણી પણ નથી હલતું ત્યારે આગામી દિવસોમાં પાલિકા દ્વારા આવી મિલકતોનાં પાણી જોડાણ કાપવાની કે મિલકત ટાંચ લેવાની કાર્યવાહી હાથ ધરાશે તેમ પાલિકા સૂત્રોએ જણાવ્યું હતું.
૯૯ જેટલી મિલકતોનો રૂ.પ૦ હજારથી વધુ વેરો બાકી
શહેરમાં માલગોડાઉન, જીઆઈડીસી, હાઈવે પર આવેલા વિવિધ કોમર્શિ‌યલ એકમો, સરકારી કચેરીઓ કે અન્ય ૯૯ જેટલા કોમર્શિ‌યલ મિલકતધારકો એવા છે જેઓએ છેલ્લા કેટલાક વર્ષોથી વેરો નથી ભર્યો અને હાલમાં તેમના પાછલા વર્ષોનો રૂ.પ૦ હજારથી પણ વધુ વેરો બાકી છે. વેરા શાખા દ્વારા આવા બાકીદારોનો રૂબરૂ સંપર્ક કરીને વેરા વસૂલાતની કાર્યવાહી હાથ ધરાઈ છે.