• Gujarati News
  • ચૂંટણી અંતર્ગત પોલીસ મથકોમાં હથિયારો જમા કરાવવા ધમધમાટ

ચૂંટણી અંતર્ગત પોલીસ મથકોમાં હથિયારો જમા કરાવવા ધમધમાટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પરવાનેદાર હથિયારો જમા કરાવવા કલેક્ટરનો આદેશ
જિલ્લાના પ૦૦થી વધારે પરવાનેદારોએ પોતાનાં હથિયારો જમા કરાવવાની કાર્યવાહી હાથ ધરી
ભાસ્કરન્યૂઝ.મહેસાણા
લોકસભાની ચૂંટણી અંતર્ગત જિલ્લા કલેક્ટરના આદેશને પગલે પોલીસ મથકોમાં પરવાનેદાર હથિયારો જમા કરાવવાની કાર્યવાહી હાથ ધરાઇ છે. જેમાં અંદાજીત પ૦૦ પૈકી ૨૦૦થી વધુ હથિયારો પોલીસ મથકોમાં જમા થયાં હોવાનું પ્રકાશમાં આવ્યું છે. નોંધનીય છે કે, હથિયાર જમા ન કરાવનાર વ્યક્તિનો પરવાનો રદ કરવા સહિ‌તની કાર્યવાહી કરવા પણ તાકીદ કરાઇ છે.
લોકસભાની ચૂંટણીને પગલે રાજકીય પક્ષો પણ સક્રિય બન્યા છે અને વહિ‌વટી તંત્ર સજ્જ બન્યું છે ત્યારે મહેસાણા જિલ્લા કલેક્ટર રાજકુમાર બેનીવાલે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાને લઈ ચૂંટણી દરમિયાન જાહેર સુલેહ અને શાંતિ જળવાય તેવા હેતુથી પરવાનેદાર હથિયારો પોલીસ સ્ટેશનોમાં જમા કરાવવા આદેશ કર્યો છે. કલેક્ટરે શસ્ત્ર અધિનિયમ અંતર્ગત જિલ્લાના સમગ્ર મહેસૂલી હદ વિસ્તારમાં ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારવાળા પરવાનેદાર હથિયાર ધારકોને તા. ૬ થી ૨૮ માર્ચ દરમિયાન સંબંધિત પોલીસ સ્ટેશનમાં હથિયાર જમા કરાવવા આદેશ કર્યો છે. જો કે, રાષ્ટ્રીય કૃત બેંકો, મુખ્ય ધાર્મિ‌ક સ્થળો, ઔદ્યોગિક એકમો, જાહેર સાહસોના ફરજ ઉપરના ચોકીદારો કે જેમની પાસે હથિયાર હોય તેમને આ પ્રક્રિયાથી મુક્ત રખાયા છે. મહેસાણા જિલ્લાના પ૦૦થી વધારે પરવાનેદારો પૈકી ૨૦૦ જેટલા પરવાનેદારોએ હથિયારો પોલીસ મથકમાં જમા કરાવ્યા હોવાનું બહાર આવ્યું છે.