• Gujarati News
  • દેવરાસણના તલાટી ~૧ હજારની લાંચ લેતાં એસીબી ટ્રેપમાં ઝડપાયા

દેવરાસણના તલાટી ~૧ હજારની લાંચ લેતાં એસીબી ટ્રેપમાં ઝડપાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખરીદેલું મકાન સરકારી ચોપડે ચઢાવવા લાંચની માંગણી કરી હતી
ભાસ્કરન્યૂઝ.મહેસાણા
હનુમંત હેડુવા ગામની સીમમાં ખરીદેલું મકાન સરકારી ચોપડે ચઢાવવા પેટે લાંચની માગણી કરનાર દેવરાસણ ગામના તલાટી શુક્રવારે રાત્રે રૂ.૧ હજારની લાંચ સ્વીકારતાં અમદાવાદ એસીબીના હાથે આબાદ ઝડપાઇ ગયા હતા.
મહેસાણાના જેલ રોડ ઉપર આવેલી વૈશાલી સોસાયટીમાં રહેતા પરેશકુમાર અમરતલાલ પટેલે તાજેતરમાં હનુમંત હેડુવા ગામની સીમમાં પંચવટી બંગ્લોઝમાં વેચાણ દસ્તાવેજથી મકાન ખરીદ્યું હતું. જેની ગ્રામ પંચાયતમાં નોંધ પડાવવા તેમણે મહેસાણા મામલતદાર કચેરીમાં અરજી કરી હતી. જે અંતર્ગત મૂળ દેવરાસણ ગ્રામ પંચાયતના અને હાલમાં હનુમંત હેડુવા ગ્રામ પંચાયત તલાટીનો ચાર્જ સંભાળતા અર્જુનસિંહ હમીરજી ડાભીએ ૧૩પ ((બી))ની નોટીસ કાઢી હતી પરંતુ તેની સમય મર્યાદા પૂર્ણ થઇ ગઈ હોવાના મુદ્દે તેમણે પરેશ પટેલ પાસે કામ કરી આપવા પેટે મોબાઈલ ફોન ઉપર લાંચની માંગણી કરી હતી. ગત ૨૬ ફેબ્રુઆરીએ તેઓ તલાટી અર્જુનસિંહ ડાભીને મળતાં તેઓએ પ્રથમ રૂ.૨પ૦૦ની માંગણી કરી હતી પરંતુ ચર્ચાના અંતે રૂ.૧ હજાર આપવાનો વાયદો કર્યો હતો. જો કે, લાંચ આપવા ન માંગતા પરેશકુમાર અમરતલાલ પટેલે અમદાવાદ એસીબી કચેરીમાં ફરિયાદ આપી હતી. જેથી પીઆઇ કે.ટી.કમાણીયા તેમજ સ્ટાફે શુક્રવારે રાત્રે છટકુ ગોઠવ્યું હતું. જેમાં અગાઉ થયેલી વાતચીત મુજબ પરેશ પટેલને તલાટી અર્જુનસિંહએ મહેસાણાના રાધનપુર ચાર રસ્તા પાસે આવેલા સ્વામિનારાયણ મંદિરની બહાર બોલાવ્યા હતા અને તેમની પાસેથી લાંચની રૂ.૧ હજાર રકમ સ્વીકારતાની સાથે જ તેઓ એસીબીના હાથે રંગેહાથ ઝડપાઇ ગયા હતા. આ અંગે મહેસાણા એસીબીએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
તલાટીને એસીબીની કચેરીમાં લઇ જવાને બદલે સૌ પ્રથમ સરકીટ હાઉસમાં લઇ જઇ તેમના નિવેદન સહિ‌તની કાર્યવાહી કરાઇ હતી.