Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જિલ્લાનાં શિવાલયોમાં ભક્તોનો મેળો જામ્યો
શ્રદ્ધાપૂર્વક ભોલેનાથનાં દર્શન કરી, જળ, દૂધનો અભિષેક કરી ભાવિકોએ ભોલેનાથને રિઝવ્યા
ચાર પ્રહરની પૂજા, લઘુરૂદ્ર સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા
ભાસ્કર ન્યૂઝ.મહેસાણા
મહાશિવારાત્રિના પાવન પર્વ નિમિત્તે ગુરુવારે પરોઢિયેથી જ મહેસાણા શહેર સહિત જિલ્લાભરનાં શિવાલયો ઓમ નમ: શિવાય અને હર હર મહાદેવના જયઘોષથી ગૂંજી ઉઠયાં હતાં. શિવાયલોમાં વિવિધ ધાર્મિક પૂજનમાં જોડાઈને ભાવિકોએ ભોલેનાથનાં દર્શન કરી ભાંગની પ્રસાદી લીધી હતી.
મહેસાણા શહેર તેમજ ઊંઝા, વિસનગર, કડી, વડનગર, બહુચરાજી, વિજાપુર, ખેરાલુ, સતલાસણા સહિત જિલ્લાભરમાં ગુરુવારે મહાશિવરાત્રિ પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી અને શિવમંદિરોમાં લોકમેળા જેવું વાતાવરણ સર્જાયું હતું. પરોઢિયેથી જ શહેરના ભીમનાથ મહાદેવ, કલ્યાણેશ્વર મહાદેવ, સુખેશ્વર મહાદેવ, નીલકંઠ મહાદેવ, ઓમકારેશ્વર મહાદેવ, સોમનાથ મહાદેવ, પંચનાથ મહાદેવ, સિદ્ધેશ્વર મહાદેવ, નીલકંઠેશ્વર મહાદેવ સહિત શિવાલયોમાં ભાવિકો ભોલેનાથના દર્શનાર્થે ઉમટયા હતા. શિવાલયોને ફૂલ તેમજ રોશનીથી શણગારાયા હતા અને ચાર પ્રહરની પૂજા, લઘુરૂદ્ર, મહાઆરતી, શોભાયાત્રા સહિત વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો યોજાયા હતા. ભાવિકોએ ઓમ નમ: શિવાયના પવિત્ર મંત્ર અને હર હર મહાદેવના જયઘોષ સાથે જળ અને દૂધનો અભિષેક કરી ભાંગની પ્રસાદ આરોગી હતી. રેલવે કોલોનીમાં આવેલા કલ્યાણેશ્વર મહાદેવના સાનિધ્યે રાત્રે ડાયરાની રમઝટ જામી હતી. જ્યારે મોઢેરા રોડ સ્થિત નીલકંઠ મહાદેવ મંદિરે મહાશિવરાત્રિની સાથે સાથે મંદિરના પાટોત્સવની બેવડી ઉજવણી કરાઈ હતી.