Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આજે જિલ્લાભરમાં હર હર મહાદેવના નાદ ગૂંજશે
મહાશિવરાત્રિના પાવન પર્વે ભાવિકો શિવભક્તિના રંગે રંગાશે
ભાસ્કર ન્યૂઝ.મહેસાણા
મહાશિવારાત્રિના પાવન પર્વ નિમિત્તે બુધવારે મહેસાણા શહેર સહિત જિલ્લાભરનાં શિવાલયો ઓમ નમ: શિવાય અને હર હર મહાદેવના જયઘોષથી ગૂંજી ઉઠશે. શિવાલયોમાં ચાર પ્રહરની પૂજા, લઘુરૂદ્ર સહિત વિવિધ ધાર્મિક અનુષ્ઠાનમાં ભાવિકો શ્રદ્ધાભેર જોડાશે.
મહેસાણા શહેર સહિત જિલ્લાભરના શિવાયલોમાં મહાશિવરાત્રિના પર્વની ઉજવણીની તૈયારીઓને મંગળવારે અંતિમ ઓપ અપાઈ રહ્યો હતો. બુધવારે પરોઢિયેથી જ શિવભક્તો શિવમંદિરોમાં ઉમટી પડશે અને ઓમ નમ: શિવાયના પવિત્ર મંત્ર તથા હર હર મહાદેવના જયઘોષ સાથે ભોલેનાથને જળ અને દૂધનો અભિષેક કરવા સહિત શિવજીની આરાધનામાં લીન થશે. શહેરના ભીમનાથ મહાદેવ, કલ્યાણેશ્વર મહાદેવ, સુખેશ્વર મહાદેવ, નીલકંઠ મહાદેવ, ઓમકારેશ્વર મહાદેવ, સોમનાથ મહાદેવ, પંચનાથ મહાદેવ સહિત શિવાલયોમાં ફૂલ તેમજ રોશનીથી શણગાર સજાવાશે અને ચાર પ્રહરની પૂજા, લઘુરૂદ્ર, મહાઆરતી સહિત વિવિધ ધાર્મિક અનુષ્ઠાન કરાશે. મોડીરાત સુધી શિવાલયોમાં ભાવિકોની ભીડ અને શ્રદ્ધા છલકાશે શિવ આરાધનાની સાથે સાથે ભાવિકો બમ બમ ભોલેનો ભાંગરૂપી પ્રસાદ આરોગશે.