• Gujarati News
  • મહેસાણાના ફોરેસ્ટર સહિ‌ત ચાર વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ નોંધાઇ

મહેસાણાના ફોરેસ્ટર સહિ‌ત ચાર વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ નોંધાઇ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રોજમદાર તરીકે કામ કરતા પરિવારના મોભીએ પગાર બાબતે ઉચ્ચકક્ષાએ લેખિત રજૂઆત કરતાં માર માર્યો હોવાનો આક્ષેપ
ભાસ્કર ન્યૂઝ.મહેસાણા
મહેસાણા વન વિભાગમાં ફરજ બજાવતા રોજમદારના પરિવારને ત્રણ-ચાર માસથી પગાર ન મળતાં તેમણે ઉચ્ચ કક્ષાએ કરેલી રજૂઆતને પગલે ફોરેસ્ટર સહિ‌ત ચાર કર્મચારીઓએ તેમને ગડદાપાટુનો માર મારી જાતિ વિષયક અપમાન કર્યું હોવાના આક્ષેપ સાથે રોજમદારે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં ચકચાર પ્રસરી છે.
મહેસાણાના પરિક્ષેત્ર વન વિભાગ સરકારી ક્વા‌ર્ટરમાં રહેતા અને રોજમદાર તરીકે ફરજ બજાવતા પરમાર મનુભાઈ રતિભાઈ તેમનાં પત્ની તથા બે દિકરા રોજમદાર વન વિભાગમાં રોજમદાર તરીકે ફરજ બજાવે છે અને કાયમી કરેલા નથી. છેલ્લા ત્રણ-ચાર માસથી તેમને પગાર ન મળ્યો હોઈ દિવાળીના તહેવારના કારણે આ બાબતે તેમણે ફોરેસ્ટર સુરેશભાઈ વ્યાસ તથા આરએફઓ સોહરાબખાન લોધીને અવાર-નવાર રજૂઆત કરવા છતાં તેઓએ ગ્રાન્ટ આવે ત્યારે પગાર આપવાનું જણાવ્યું હતું. છેવટે બીજી નવેમ્બરે મનુભાઈએ આ બાબતે નાયબ વન સંરક્ષક અધિકારીની કચેરીમાં લેખિત રજૂઆત કરી હતી.
દરમિયાન શુક્રવારે રાત્રે સાડા આઠેક વાગ્યે સુરેશભાઈએ મનુભાઈને તેમની ઓફિસમાં બોલાવ્યા હતા. અહીં સુરેશભાઈ, આરએફઓ સોહરાબખાન લોધી, હેડ ક્લાર્ક રમેશભાઈ ઠાકોર તથા ક્લાર્ક કમ ક્લીનર બળવંતજી ઠાકોરે મોટા સાહેબને અરજી કરી હોઈ પગાર મળશે નહીં વગેરે કહી જાતિ વિષયક અપમાન કરી ક્વા‌ર્ટર ખાલી કરી દેવાનું કહ્યું હતું તેમજ ગડદાપાટુનો માર માર્યો હતો. ઈજાગ્રસ્ત મનુભાઈને તેમના પરિવારજનો સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયાં હતાં.
ઉપરોક્ત આક્ષેપ સાથે મનુભાઈએ ફોરેસ્ટર સુરેશભાઈ વ્યાસ, આરએફઓ સોહરાબખાન લોધી, હેડ ક્લાર્ક રમેશભાઈ ઠાકોર તથા ક્લાર્ક કમ ક્લીનર બળવંતજી ઠાકોર વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે એટ્રોસિટી સહિ‌તનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.