તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • મહુડીમાં ઘંટાકર્ણ મહાવીરના દર્શને શ્રદ્ધાનું ઘોડાપૂર

મહુડીમાં ઘંટાકર્ણ મહાવીરના દર્શને શ્રદ્ધાનું ઘોડાપૂર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.મહેસાણા
વિજાપુર પાસે આવેલા પ્રસિદ્ધ જૈનર્તીથ મહુડીમાં કાળીચૌદશને શનિવારે ઘંટાકર્ણ વીર મહારાજના દર્શને શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઊમટયું હતું. પ્રાથમિક અંદાજ મુજબ દોઢ લાખથી પણ વધુ ભક્તોએ વીરદાદાના દર્શનનો અમૂલ્ય લ્હાવો લીધો હતો. જ્યારે પરમશાંતિ વચ્ચે શ્રદ્ધાળુઓએ મનોકામના પૂર્તિ‌ માટે પોતાની લંબાઇ જેટલા દોરામાં હવનની આહુતિ સાથે ૧૦૮ ગાંઠ બાંધી હતી.
જાગતા વીર કહેવાતા મહુડી સ્થિત ઘંટાકર્ણ વીર મહારાજના મંદિરે કાળીચૌદશને શનિવારે સવારથી દર્શનાર્થે લોકોની ભીડ જામી હતી. મહેસાણા, ગાંધીનગર સહિ‌ત ઉત્તર ગુજરાત તેમજ અન્ય જિલ્લા અને રાજ્ય બહારથી પણ શ્રદ્ધાળુઓ પધાર્યા હતા. કાળીચૌદશે અહીં વર્ષમાં એકવાર ઘંટાકર્ણ વીર મહારાજને પ્રક્ષાલન પૂજા, કેસર પૂજા, બ્રાસ પૂજા સહિ‌ત આભૂષણ વિધિ કરાય છે. સવારની પૂજા બાદ બપોરે ૨ વાગ્યે હવનનો પ્રારંભ થયો હતો. શ્રધ્ધાળુઓની ભારે ભીડ હોવા છતાં પણ નિરવ શાંતિ વચ્ચે મનોકામના પૂર્તિ‌ માટે લોકોએ પોતાની લંબાઇના લાલ દોરામાં શ્રદ્ધાભેર ૧૦૮ ગાંઠ બાંધી હતી. યુવાનો, મહિ‌લા, વડીલો સાથે બાળકો પણ આ વિધિમાં જોડાયા હતા. લીલીજાજમ અને લાલમંડપ નીચે શ્રદ્ધાળુઓ સતત ત્રણેક કલાક શાંતિથી બેઠા હતા અને ઘંટાકર્ણ વીર મહારાજની પૂજામાં લીન બન્યા હતા.
નોંધનિય છે કે, ઘંટાકર્ણ વીરના મંદિરે દર્શનાર્થે શ્રદ્ધાળુઓની ભારે ભીડને લીધે મંદિર પ્રાંગણથી એકાદ કિલોમીટર દૂર વાહન પાકિગ કરવા પડયા હતા. જેના કારણે શ્રદ્ધાળુઓને દર્શન માટે એકાદ કિલોમીટરની પદયાત્રા કરવી પડી હતી.