• Gujarati News
  • આણંદ શહેરમાં મોડી સાંજે વરસાદથી માર્ગો તરબતર ચરોતરમાં ફરી વાદળો ઘેરાયાં ને વરસ્યાં પણ ખરાં

આણંદ શહેરમાં મોડી સાંજે વરસાદથી માર્ગો તરબતર ચરોતરમાં ફરી વાદળો ઘેરાયાં ને વરસ્યાં પણ ખરાં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . આણંદ
આણંદ શહેર સહિત જિલ્લામાં ગુરુવારે સવારથી આકાશમાં વાદળો ઘેરાયેલા રહેતાં વરસાદી માહોલ સર્જાયો હતો. બપોરના ત્રણ વાગ્યા બાદ ઝરમર વરસાદ શરૂ થયો હતો. આણંદમાં સાંજના ઘનઘોર વાદળો ધસી આવતાં હળવો વરસાદ થયો હતો. આગામી પાંચ દિવસ દરમિયાન છુટોછવાયો વરસાદ થવાનો હવામાન વિભાગ દ્વારા વર્તારો કરવામાં આવ્યો છે.
આણંદ જિલ્લામાં છેલ્લા બે-ત્રણ દિવસથી મેઘરાજાના વિરામથી મહત્તમ તાપમાનનો પારો વધ્યો હતો. તાપમાન ૩૧ ડિગ્રીએ પહોંચી જવા સાથે ભેજનું પ્રમાણ વધુ રહેતાં વાતાવરણમાં ઉકળાટ અનુભવાતો હતો. ગુરુવારે સવારથી આકાશમાં વાદળો ઘેરાયેલા રહ્યા હતા અને છુટાછવાયા છાંટા પડીને બંધ થઇ જતો હતો. બપોરના ત્રણ વાગ્યા બાદ રિમઝિમ વરસાદ શરૂ થયો હતો. સાંજના આકાશમાં ઘનઘોર વાદળો ધસી આવતાં હળવો વરસાદ
પડ્યો હતો.
આણંદ કલેકટર કચેરી ઇમરજન્સી રસ્પિોન્સ સેન્ટરના જણાવ્યાં અનુસાર, સાંજના ૪થી ૬ વાગ્યા સુધીમાં આણંદમાં ૧ મિમી અને ઉમરેઠમાં ર મિમી વરસાદ નોંધાયો હતો. ભારત મોસમ વિજ્ઞાન વિભાગના જણાવ્યાં અનુસાર, આગામી પાંચ દિવસ દરમિયાન છુટાછવાયા વરસાદના ઝાપટાં પડવાની આગાહી કરવામાં આવી છે.૧૦મીથી ૧૪મી ઓગસ્ટ દરમિયાન ૬થી ૧૦ મિમી વરસાદ થવાનો વર્તારો કરવામાં આવ્યો છે. મહત્તમ તાપમાન ૨૭થી ૨૮ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૩ ડિગ્રી રહેશે.
આણંદ શહેરમાં શુક્રવારની નમતી બપોર બાદ ઝરમર વરસાદ શરૂ થઈ ગયો હતો. શ્રાવણીયા વરસાદમાં વચ્ચે વચ્ચે જોરદાર ઝાપટાં પણ પડ્યાં હતાં. જેને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં. આ વરસાદમાં કેટલાંક યુવાનો રજાનો આનંદ લેવા નીકળી પડ્યાં હતાં.
નડિયાદમાં પવનના સુસવાટા સાથે વરસાદી ઝાપટું
નડિયાદ . નડિયાદ સહિત જિલ્લાના ૧૦ તાલુકામાં વિતેલાં ૪ દિવસથી વરસાદના વિરામથી ખાસ કરીને ખેડૂતોએ વરાપ મળતાં ભારે હાશકારો અનુભવ્યો હતો. નડિયાદ શહેર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં શુક્રવારે સવારથી ઉઘાડ રહ્યો હતો, પરંતુ નમતી બપોરે આકાશમાં વરસાદી વાદળોની ઘેરાબંધી અને પવનના સુસવાટા સાથે વરસાદી ઝાપટું ખાબકયું હતું. તેમ જ સમી સાંજે વરસાદી વાતાવરણ યથાવત રહેવા સાથે ઝરમર વરસાદ થતો રહ્યો હતો. નડિયાદ સહિત ૧૦ તાલુકા વિસ્તારમાં શ્રાવણના આરંભ ટાણે મેઘમહેર હળવી થવા સાથે ઉઘાડ રહેતાં શહેરી તેમ જ ગ્રામ્ય વિસ્તારની પ્રજાએ થોડા અંશે રાહતની લાગણી અનુભવી હતી. આ ઉપરાંત આકાશમાં વાદળોની ઘેરાબંધી હટવા સાથે વિતેલાં બે દિવસથી આકાશમાં દિનમણિએ દેખાં દેતાં ખેતરોને વરાપ મળતાં ખેડૂતોએ પણ હાશકારો અનુભવ્યો હતો. નડિયાદ શહેર સહિત ગ્રામ્યમાં શુક્રવારે બપોર સુધી ઉઘાડ રહ્યો હતો. જોકે, નમતી બપોરે આકાશમાં વાદળો છવાઈ જતાં પવનના સુસવાટા સાથે ૧૦ મિનિટ સુધી વરસાદ ખાબકયો હતો. ત્યારબાદ સાંજના સુમારે ઝરમર વરસાદ જારી રહ્યો હતો. જિલ્લા પૂર નિયંત્રણ કક્ષના સૂત્રોના જણાવ્યાં મુજબ, શુક્રવારે સવારે ૯થી સાંજના ૬ કલાક સુધીમાં ૫ તાલુકામાં હળવો વરસાદ નોંધાયો હતો. નડિયાદ તાલુકામાં ૯ મિમી, મહેમદાવાદમાં ૧ મિમી, કઠલાલમાં ૨ મિમી, મહુધામાં ૩ મિમી તેમ જ માતર તાલુકામાં ૨ મિમી વરસાદ નોંધાયો હતો.