તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • સમગ્ર નવસારી જિલ્લામાં વરસાદ

સમગ્ર નવસારી જિલ્લામાં વરસાદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમગ્ર નવસારી જિલ્લામાં શુક્રવારે દિવસે નોંધનીય વરસાદ પડ્યો હતો. દિવસ દરમિયાન ગણદેવીમાં ૬૮ મિ.મિ. અને વાંસદામાં ૪૬ મિ.મિ. વરસાદ નોંધાયો હતો.
ગુરૂવારે સાંજે હવામાન વિભાગે નવસારી જિલ્લામાં પણ ૩૬ કલાકમાં ભારે વરસાદની આગાહી કરી હતી. જિલ્લાના કેટલાક તાલુકામાં આ આગાહી સાચી પડી હતી.
નવસારી જિલ્લાના ગણદેવી, ચીખલી અને વાંસદા તાલુકામાં શુક્રવારે દિવસ દરમિયાન વરસાદી ઝાપટાં પડતા રહ્યા હતા. ગણદેવીનગર સહિત સમગ્ર તાલુકામાં સવારથી બપોર સુધી ખૂબ જ સારો વરસાદ પડ્યો હતો. દિવસ દરમિયાન ૬૮ મિ.મિ. વરસાદ નોંધાયો હતો. વાંસદા તાલુકામાં પણ દિવસ દરમિયાન વરસાદી ઝાપટા પડતા રહ્યા હતા. સાંજે ૪થી ૬ વાગ્યા દરમિયાન પડેલ ૧૫ મિ.મિ. વરસાદ સાથે શુક્રવારે દિવસ દરમિયાન કુલ ૪૬ મિ.મિ. વરસાદ નોંધાયો હતો. ચીખલીમાં દિવસે ૨૧ મિ.મિ. પાણી પડયું હતું.
જિલ્લા મથક નવસારી શહેરમાં પણ સવારે વરસાદી ઝાપટા પડતા રહ્યા હતા. આખો દિવસ વાદળછાયુ વાતાવરણ સમયાંતરે થતું રહ્યું હતું અને વરસાદી ઝાપટા પડતા રહ્યા હતા. નવસારીમાં ૧૧ મિ.મિ. અને જલાલપોરમાં ૪ મિ.મિ. વરસાદ નોંધાયો હતો.
શુક્રવારે દિવસ દરમિયાન પડેલા વરસાદ સાથે મોસમનો વરસાદ તાલુકાવાર જોતા નવસારીમાં ૬૫૦ મિ.મિ., જલાલપોરમાં ૫૯૧ મિ.મિ., ગણદેવીમાં ૫૭૯ મિ.મિ., ચીખલીમાં ૪૬૨ મિ.મિ. અને વાંસદામાં ૪૦૧ મિ.મિ. થયો છે.
ડાંગ જિલ્લામાં ૧થી ૨.૫ ઈંચ વષૉ
પર્વત અને જંગલોથી ઘેરાયેલા ડાંગ જિલ્લામાં સતત બીજા દિવસે શુક્રવારે પણ સારો વરસાદ પડ્યો હતો. ડાંગ જિલ્લાના આહવા, સાપુતારા, વઘઈ સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ દિવસે ઝાપટાઓ પડતા રહ્યા હતા. શુક્રવારે દિવસે આહવામાં ૬૦ મિ.મિ., સાપુતારામાં ૨૪ મિ.મિ. અને વઘઈમાં ૬૫ મિ.મિ. વરસાદ નોંધાયો હતો. સારો વરસાદ પડતા જિલ્લામાંથી પસાર થતી નદીઓ બે કાંઠે વહેતી જોવા મળી હતી. ડાંગમાં અનેક ચેકડેમો બનાવાયા છે તેમાંના કેટલાક ઓવરફલો પણ થયા છે. સારા વરસાદના કારણે જિલ્લાના મોટા ભાગના ચેકડેમ છલકાયા છે
નવસારીના રિંગરોડમાં તિરાડો પડી
તાજેતરમાં ચોમાસામાં વરસાદ પડતા કેટલાક રસ્તાઓની હાલત બગડવા માંડી છે. બે મહિના અગાઉ જ મંત્રીઓના હસ્તે વાજતે ગાજતે નવસારીના અતિમહત્વના માર્ગ એવા રિંગરોડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તે માર્ગમાં કેટલીક જગ્યાએ તિરાડો પડી ગઈ હતી. ખાડાઓ પણ પડવા લાગ્યા હતા. રસ્તાની પોલ ખુલી જતા તથા બૂમરાણ મચતા તંત્રએ તિરાડો તાબડતોડ પુરવાની કામગીરી હાથ ધરી હતી. ભેંસતખાડા વિસ્તારમાંથી પસાર થતા આ માર્ગમાં તિરાડો જોવા મળી હતી. જનમાનસમાં બનાવાયેલ રસ્તાની ગુણવત્તા ચર્ચાસ્પદ બની છે.