• Gujarati News
  • અપહરણ હત્યાના વિરોધમાં ખેડબ્રહ્ના સજજડ બંધ

અપહરણ-હત્યાના વિરોધમાં ખેડબ્રહ્ના સજજડ બંધ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ખેડબ્રહ્ના
ખેડબ્રહ્નામાં સોમવારે યુવાનના અપહરણ બાદ વડાલી નજીકથી હત્યા કરાયેલી લાશ મળી આવતાં હત્યાના વિરોધમાં મંગળવારે વેપારી મહામંડળે આપેલ ખેડબ્રહ્ના બંધના એલાનને વેપારીઓએ સહયોગ આપી બજાર જડબેસલાક બંધ રાખ્યા હતા.દરમિયાન રાજસ્થાની પ્રજાપત સમાજે ઇડર ડી.વાય.એસ.પી. સમક્ષ યુવતી ભગાડી જવાની ફરિયાદમાં વિલંબ તેમજ અપહ્યુત યુવાનની શોધમાં પી.એસ.આઇ.ની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી.
ખેડબ્રહ્નાના પ્રજાપત બકસારામ સગરામભાઇનું રવિવારે અપહરણ કર્યા બાદ સોમવારે તેની લાશ વડાલી તાલુકાના વાડોઠ પાટિયા નજીકથી મળી આવી હતી. ત્યારબાદ મૃતકની હત્યા કરનારાઓને પોલીસ તંત્ર સત્વરે જબ્બે કરી સખ્ત કાર્યવાહી કરે તે માટે ખેડબ્રહ્ના વેપારી મહામંડળ દ્વારા મંગળવારે બંધનું એલાન અપાયુ હતું.જેના ભાગરૂપે બજાર સદંતર બંધ રહ્યા હતા. બકસારામની હત્યા પછી ઇડરના ડી.વાય.એસ.પી. એ.ડી.ચૌધરીએ ખેડબ્રહ્ના આવી પ્રજાપત સમાજની રજૂઆત સાંભળી હતી. જેમાં પ્રજાપત સમાજે પી.એસ.આઇ. વિરલ પટેલની કાર્યવાહી સામે શંકા વ્યક્ત કરી આક્રોશ ઠાલવ્યો હતો.
સમાજના અગ્રણીઓ ગુદડજી પ્રજાપત તારાચંદ પ્રજાપત, ચંપકલાલ પ્રજાપત, ઓગડજી પ્રજાપત સહિત અન્ય અગ્રણીઓએ રજૂઆત કરતા જણાવ્યુ હતું કે નિર્દોષ લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. સ્ત્રીઓ ઉપર લાઠીચાર્જ કર્યા પછી ટોળામાં ભળી ગયેલ કેટલાક અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો.
પ્રકાશકુમારની પત્ની ભાવનાબેનને ભગાડી જવાની ફરિયાદ નોંધવામાં વિલંબ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરાયો હતો. બકસારામના અપહરણ પછી તેની શોધ કરવામાં પી.એસ.આઇ. તટસ્થતા જાળવી શકયા નથી અને ઢીલી નિતિ રાખી હોવાનો આક્ષેપ કર્યો હતો. પી.એસ.આઇ. વિરલ પટેલના મોબાઇલની કોલ ડીટેઇલની તપાસ કરવાની રજૂઆત કરવામાં સમાજનો એકસૂર હતો. ફરિયાદમાં દર્શાવાયેલ ચાર શખ્સો સ્થળ પર હાજર ન હતા. જેમાં રાજુરામ ટીકુજી (અમદાવાદ), સોહનલાલ માલાજી (રાજસ્થાન), લક્ષ્મણભાઇ ભીમાજી (રાજપીપળા) અને દિલીપકુમાર ભીખાજી તેમના ઘેર હતા.
zરેલી કાઢયા બાદ આવેદન આપ્યું
ખેડબ્રહ્નાના યુવાનની સોમવારે વડાલીના વાડોઠ પાટિયા નજીકથી મળેલી લાશ બાદ મંગળવારે પ્રજાપત સમાજના અગ્રણીઓ સાથે ડી.વાય.એસ.પી. તેમજ સ્થાનિક પોલીસે વાટાઘાટ કરી હતી. દરમિયાન પ્રજાપત સમાજ દ્વારા રેલી કાઢી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું અને મૃતક બકસારામ પ્રજાપતની લાશનું વડાલી ખાતે પી.એમ. કરાયા બાદ ખેડબ્રહ્ના લાવી પોલીસ બંદોબસ્ત વચ્ચે અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. ત્યારબાદ ડી.વાય.એસ.પી. અને સી.પી.આઇ.ની ઉપસ્થિતિમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જેથી પોલીસે રાહતનો દમ લીધો હતો.