તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ખેરાલુની કન્યા શાળા નં.૨માં છતનાં પોપડાં પડતાં બે વિધ્યાર્થિનીઓને ઇજા

ખેરાલુની કન્યા શાળા નં.૨માં છતનાં પોપડાં પડતાં બે વિધ્યાર્થિનીઓને ઇજા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.ખેરાલુ
ખેરાલુના દેસાઇવાડામાં આવેલી કન્યા શાળા નં.૨માં સોમવારે બપોરે ધોરણ ૪ના વર્ગની છતનાં પોપડાં અચાનક ખરી પડતાં અભ્યાસ કરી રહેલી ૩૦ વિધ્યાર્થિનીઓ પૈકી બેને ગંભીર ઇજા થઇ હતી. નોંધપાત્ર છે કે, શાળાના અન્ય રૂમોની છત પણ ગમે ત્યારે તૂટી પડે તેવી સ્થિતિમાં હોઇ ભયભીત બનેલા શિક્ષકોએ વિધ્યાર્થિનીઓને ખુલ્લામાં બેસાડી ભણાવવાની ફરજ પડી રહી છે.
ખેરાલુના દેસાઇવાડામાં યુજીવીસીએલ કચેરીના પાછળના ટેકરા પર આવેલી પ્રાથમિક કન્યા શાળા નં.૨ નું ભવન જર્જરિત થવાથી દર ચોમાસામાં છત ટપકતી હોઇ ગત વર્ષે છતનું સમારકામ કરાયું હતું. જોકે ૧૫ વર્ષ અગાઉ નિમૉણ થયેલી શાળાના ધાબામાં પથરાયેલી લોખંડની ખીલાસરી કાટ ખાઇ ગઇ હોવાથી છત ઠેરઠેરથી તૂટી ગઇ છે. ત્યારે આવી ભયજનક સ્થિતિ ધરાવતી શાળાના વર્ગોમાં વિધ્યાર્થિનીઓને ભણાવવાનું ચાલુ રખાતાં સોમવારે ધો.૪ના વર્ગની છત અચાનક તૂટી પડી હતી. વર્ગ શિક્ષક ૩૦ વિધ્યાર્થિનીઓને ભણાવી રહ્યાં હતા. ત્યારે અચાનક છતનાં પોપડાં ખરી પડતાં વર્ગમાં નાસભાગ મચી હતી. આ ઘટનામાં કોમલબેન જશુજી ઠાકોર અને ચેતનાબેન અજમલજી ઠાકોરને માથાના ભાગે ઇજા થતાં ૧૦૮ના કર્મીઓ દ્વારા બંને વિધ્યાર્થિનીઓને સ્થળ ઉપર સારવાર અપાઇ હતી.