• Gujarati News
  • પ્રેમલગ્ન કરનારી યુવતીને મળવા આવેલા પિતા પર હુમલો

પ્રેમલગ્ન કરનારી યુવતીને મળવા આવેલા પિતા પર હુમલો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગરની ડોસાભાઇ બાગ પોલીસ ચોકીએ હોબાળો મચ્યો : વેગેનાર ગાડીના ચાલક સામે હુમલાની ફરિયાદ
ભાસ્કર ન્યૂઝ.વિસનગર
વિસનગર તાલુકાના પાલડી ગામની ગુમ થયેલી યુવતી પ્રેમલગ્ન કરી પોલીસ મથકે હાજર થતાં તેને મળવા આવેલા યુવતીના પિતાને વેગેનાર ગાડીના ચાલકે અપશબ્દો બોલી ચપ્પા જેવા હથિયારથી હુમલો કરી ઇજા પહોંચાડી હતી. આ બનાવને લઇ અહીં હોબાળો મચી જતાં લોકોનું ટોળું જમા થઇ જતાં પોલીસમાં દોડધામ મચી ગઇ હતી. બનાવ સંદર્ભે વિસનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
વિસનગર તાલુકાના પાલડી ગામના ચૌધરી રમણભાઇ કાનજીભાઇની દીકરી જાગૃતિ ગત ૪ જૂનના રોજ ઘરેથી ગુમ થઇ જતાં રમણભાઇએ પોલીસ મથકે જાણવાજોગ નોંધ કરાવી હતી. દરમિયાન જાગૃતિ વિજાપુર તાલુકાના દગાવાડીયા ગામના ચૌધરી તરૂણકુમાર બાબુલાલ સાથે પ્રેમલગ્ન કરી પોલીસ મથકે હાજર થઇ હતી. આથી સોમવારે બપોરે ડોસાભાઇ બાગ પોલીસ ચોકીએ જાગૃતિના પિતા રમણભાઇ અને તેની માતા મળવા આવ્યા હતા. ત્યારે વેગેનાર ગાડી (જીજે ૨બીડી ૫૧૩) લઇને આવેલા શખ્સે રમણભાઇ પર ઉશ્કેરાઇ જઇ અપશબ્દો બોલી ચપ્પા જેવા હથિયાર વડે હુમલો કરતાં તેમને આંગળીના ભાગે ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે રમણભાઇએ વિસનગર પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
નોંધનીય છે કે, ડોસાભાઇ બાગ ચોકી નજીક બનેલા બનાવમાં હોબાળો થતાં ઘટના સ્થળે લોકોનાં ટોળાં એકઠા થઇ ગયા હતા અને ટ્રાફિકજામ થઇ જતાં પોલીસે દોડી આવી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.