• Gujarati News
  • વઢવાણમાં ખોદકામ સમયે પ્રાચીન મૂર્તિ‌ઓ મળી આવી

વઢવાણમાં ખોદકામ સમયે પ્રાચીન મૂર્તિ‌ઓ મળી આવી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. વઢવાણ
ભોગાવા નદીના કાંઠે આવેલ પ્રાચીન વર્ધમાનપુરી ગામમાં અનેક ઇતિહાસ ભંડરાયેલો છે. ત્યારે વઢવાણ ખારવાની પોળમાં મોચીશાળમાં એક પ્રાચીન મકાનનું ખોદકામ ચાલતુ હતુ. જેમાં જૈન ધર્મના ભગવાનની મૂર્તિ‌ઓ, નવકાર મંત્ર, નાગદેવતા અને કોતરણીયુકત અને નકશીકામવાળા અવશેષો મળી આવ્યા હતા. આથી આ મૂર્તિ‌ના દર્શન માટે જૈન-જૈનેતરો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા.
વર્ધમાનપુરી તરીકે જાણીતા વઢવાણ માં ભગવાન મહાવીરસ્વામીના પગલા ભોગાવા નદીકાંઠે આવેલા છે. ત્યારે વઢવાણમાં એક પ્રાચીન મકાનના પાયા ખોદકામ દરમિયાન ભગવાનની મૂર્તિ‌ મળી આવી છે. વઢવાણ શહેરના ખારવાની પોળના દરવાજા અંદર મોચીશાળ આવેલી છે. મોચીશાળમાં લીંબડ કીરણભાઇ અને જશુભા લીંબડના મકાનો આવેલા છે. આ પ્રાચીન મકાનના પાયાનું ખોદકામ ચાલતુ હતુ. ખોદકામ દરમિયાન પ્રાચીન અવશેષો મળી આવ્યા હતા. અંતે તપાસ કરતા કોતરણી કામ અને નકશીયુકત ભગવાન પાશ્ર્વનાથની મૂર્તિ‌ઓ હોવાનું જૈન આગેવાનોએ જણાવ્યુ હતુ. આ ઉપરાંત નવકારમંત્ર, નાગદેવતા, પ્રાચીન ઘંટી, સિંહાસન વગેરે અવશેષો મળી આવ્યા હતા. આ બનાવની જાણ જૈન સમાજના લોકોને થતા આશ્ચર્ય સાથે દર્શન માટે દોડી ગયા હતા.
આ અંગે જશુભા લીંબડે જણાવ્યુ કે, મારાભાઇના મકાનનું ખોદકામ ચાલતુ હતુ. મને આ જગ્યા પર કંઇક વસ્તુ હોવાનો ભાસ થયો હતો. અંતે અંદર ખોદકામ કરતા આ પ્રાચીન અવશેષો મળી આવ્યા છે. આ તમામ વસ્તુ બહાર આવતા જૈન આગેવાનોને સોંપી દેવાઇ છે. ત્યારબાદ મૂર્તિ‌નું પૂજન કરી નવકાર મંત્રના જયઘોષ સાથે મોટા દેરાસરમાં મૂર્તિ‌ઓ લઇ જવામાં આવી હતી.