• Gujarati News
  • ચોટીલા તાલુકાના ૩૨ ગામોની શાળામાં પીવાનું પાણી જ નથી

ચોટીલા તાલુકાના ૩૨ ગામોની શાળામાં પીવાનું પાણી જ નથી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. ચોટીલા
ઉનાળાની ધીમી શરૂઆત થતા જ ગરમીની શરૂઆત જ આકરી થઇ છે. ત્યારે ચોટીલા તાલુકાના ૩૨ જેટલા ગામોમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાઓમાં બાળ વિદ્યાર્થીઓને અત્યારથી જ પીવાના પાણીની હાડમારી ભોગવવી પડી રહી છે. આવી પાણી વગરની શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને પાણીની બોટલો ઘેરથી સાથે લાવવી પડે છે.
શિયાળાની વિદાય સાથે ઉનાળાનું આગમન થઇ ચૂકયુ છે. અને આગામી લોકસભાની ચૂંટણીની પૂરજોશમાં તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. અને સરકારી તંત્ર ચૂંટણીના આયોજન માટે ઉંધા માથે થઇ ગયુ છે. ત્યારે ખાટલે મોટી ખોટ એ છે કે, ચોટીલા તાલુકાના ગ્રામ્ય પંથકોમાં આવેલ સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો માટે પીવાના પાણી માટે વ્યવસ્થા કરવાનું તંત્રને સૂઝ્યું જ નથી. ચોટીલા પંથકનાં કેટલાય ગામોની સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં બાળકો ઘેરથી દફતરના બોજ સાથે પાણીની બોટલોનો બોજ ઉઠાવીને ભણવા આવતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. ચોટીલા તાલુકાના નાવા ((વાદીવસાહત)), મોરથળા-૨-૩, થાનગઢ-૪, કાનપર, ખેરડી-૨, નાળીયેરી-૨, બાણબોર-૩, જીવાપર((બા)), ડોસલીઘુના, રાજપરા-૧, ડાકવડલા, ચિરોડા((ઠાંગા)), ફૂલઝર-૧-૨, રાજપરા-પ, તાજપર, વિહળવડ ((આણંદપુરી)), ચોબારી, ચિરોડા((ભા)), પિયાવા((ફૂલઝર-૨)), મોકાસર-૨, સુરૈઇ, ગુંદા-૩-૨, જીવાપર((આ)), આંકડીયા, કાબરણ-૧-૨, ઢોકળવા, ઢુંઢવણવાડી, ખોડિયાર((સીમ)), તથા રેશમિયા ગામની શાળાઓમાં મોટા ભાગના બાળ વિદ્યાર્થીઓ ઘેરથી પાણીની બોટલ સાથે લાવે છે.