• Gujarati News
  • અનેક વિસ્તારોમાં ચિકનગુનિયાનો ભરડો: સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની ભીડ જામી

અનેક વિસ્તારોમાં ચિકનગુનિયાનો ભરડો: સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની ભીડ જામી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રા પંથકમાં ડબલ ઋતુને કારણે રોગચાળો ફાટી નીકળ્યો છે. ધ્રાંગધ્રા શહેરના કુંભારપરા, ફુલગલી, મફતિયાપરૂ, આંબેડકરનગર, હળવદ રોડ સહિ‌તના વિવિધ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં ચિકનગુનિયાના દર્દીઓ જોવા મળી રહ્યાં છે. ત્યારે ધ્રાંગધ્રા શહેરમાં ખાનગી તથા સરકારી દવાખાનામાં મોટા પ્રમાણમાં દર્દીઓની ભીડ જોવા મળી રહી છે. દર્દીઓએ સારવાર માટે લાંબી રાહ જોવી પડતી હોવાથી દર્દીઓ અને પરિવારજનો પરેશાન થઇ ગયા છે. ત્યારે ધ્રાંગધ્રાના કુંભારપરામાં રહેતા ઠાકરશીભાઈ કમાભાઈ મોરી ((દલવાડી)) યુવાનનું ચિકનગુનિયાથી મોત નિપજતા વિસ્તારમાં ભયનો માહોલ છવાઇ ગયો છે. મૃતક યુવાન ઠાકરશીભાઈ ખેતીકામ કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો. આ ઉપરાંત મૃતક ઠાકરશીભાઈને એક પુત્ર અને બે પુત્રી હોવાનું જણાવા મળ્યું છે. કુંભારપરા વિસ્તારમાં ઘરે ઘરે ચિકનગુનિયાના દર્દીઓ જોવા મળી રહ્યાં છે. આરોગ્ય તંત્ર દ્વારા આ વિસ્તારમાં તાત્કાલીક પગલા લેવા જોઇએ તેવી લોકમાંગણી ઉઠી છે. આ અંગે આ વિસ્તારના સુધરાઇ સભ્ય જીવણભાઈ લકુમ અને આગેવાન ટપુભાઈ દલવાડીએ જણાવ્યું કે, અમારા વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી ચિકનગુનિયાનાં દર્દીઓનો મોટા પ્રમાણમાં વધારો થયો છે. અને આ વિસ્તારના મોટા ભાગના લોકો ખેતીકામ કરી ગુજરાન ચલાવતા હોવાથી આ પ્રકારના રોગ થતાં પોતાના ધંધારોજગાર પર જઇ શકતા નથી. આથી આરોગ્ય તંત્ર દ્વારા તાત્કાલીક પગલા લઇ લોકોને સારવાર કરવી જોઇએ તેવી લોકમાંગણી ઉઠી છે.
આ અંગે સરકારી દવાખાના ડો. અરૂણ પ્રસાદે જણાવ્યું કે, દવાખાનામાં જોઇન્ટ પેઇન્ટના અને ચિકનગુનિયાના દર્દી‍ઓ જોવા મળે છે. ત્યારે તેઓને જરૂરી સારવાર આપવામાં આવી છે. અને થોડા દિવસોમાં ઠીક થઇ જાય છે. ચિકનગુનિયાથી લોકોને ડરવાની જરૂર નથી. સારવાર અને દવાને લીધે દર્દી જલ્દી સાજા થઇ જાય છે. અને દવાખાનામાં પૂરતો દવાનો સ્ટોક ઉપલબ્ધ છે.