• Gujarati News
  • ટ્રાવેલ્સની બસમાં કાપડના સાત પા‌ર્સલમાંથી દારૂનો જથ્થો મળ્યો

ટ્રાવેલ્સની બસમાં કાપડના સાત પા‌ર્સલમાંથી દારૂનો જથ્થો મળ્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.રાજકોટ
લોકસભાની ચૂંટણી સંદર્ભે દારૂની રેલમછેલ રોકવા કમિશનરે શહેરને જોડતા તમામ હાઈવે અને શહેરી વિસ્તારમાં કડક વાહન ચેકિંગ શરૂ કરાવ્યું છે. બીજી તરફ બુટલેગરોએ પણ પોલીસથી બચવા નવા નવા નુસખા શરૂ કર્યા છે. જંગલેશ્વરનો એક બુટલેગર મુંબઇથી એક ટ્રાવેલ્સમાં કાપડના પા‌ર્સલના બહાને દારૂનો જથ્થો રાજકોટ લાવી રહ્યો હોવાની માહિ‌તીના આધારે પોલીસે મંગળવારે વહેલી સવારે ગ્રીનલેન્ડ ચોકડી નજીકથી આરોપીને દારૂની ૧૦પ૬ બોટલ સાથે ઝડપી લીધો હતો.
તમન્ના ટ્રાવેલ્સની મુંબઇથી રવાના થયેલી ચોક્કસ નંબરની બસમાં કાપડના પા‌ર્સલના બહાને દારૂનો મોટો જથ્થો રાજકોટ લવાઇ રહ્યાની કમિશનર મોહન ઝાને બાતમી મળી હતી. જેના આધારે ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ એસ.એસ.નિનામા,મદદનીશ વિજયસિંહ ઝાલા,એભલભાઇએ મંગળવારે વહેલી સવારે ગ્રીનલેન્ડ ચોકડી નજીક વોચ ગોઠવી હતી.
બાતમી મુજબના નંબરની બસ ઊભી રહ્યા બાદ એ મુસાફરે બસની ડીકી ખોલીને સાત પા‌ર્સલ બહાર કઢાવ્યા તે સાથે પોલીસે તેને અટકાયતમાં લઇ લીધો હતો. પકડાયેલા શખ્સનું નામ અમિત દોસ્તમહમદ સુમરા ((રહે,તવક્કલ ચોક,જંગલેશ્વર)) હોવાનું ખુલ્યું હતું.
પોલીસે પા‌ર્સલ ખોલીને જોતા અંદરથી દારૂની કુલ ૧૦પ૬ બોટલ મળી આવતા દારૂ કબજે કરીને આરોપીની ધરપકડ કરી હતી. અમિત દોઢ વર્ષ પહેલાં પણ દારૂની હેરાફેરીના કેસમાં પકડાઇ ચૂક્યો છે.
દારૂનો જથ્થો મુંબઇમાં કાશ્મીરાગેટ વિસ્તારમાંથી ખરીદ્યાની કબૂલાત આપતા પોલીસે તેને બે દિવસના રિમાન્ડ મેળવીને વિશેષ તપાસ શરૂ કરી છે.