• Gujarati News
  • મતદારોને મનાવવા ઉમેદવારોનો આખરી દાવ

મતદારોને મનાવવા ઉમેદવારોનો આખરી દાવ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોમવારે પ્રચારના પડઘમ શાંત પડતા જ ઘરે-ઘરે મત માગવાની છેલ્લી કવાયત શરૂ
ભાસ્કર ન્યૂઝ. રાજકોટ
લોકસભાની ચૂંટણી આડે હવે માત્ર ૨૪ કલાક રહ્યા છે અને પ્રચારના પડઘમ શમી ગયા છે ત્યારે મતદારોને રિઝવવા માટે ઉમેદવારો દ્વારા છેલ્લી ઘડી સુધી એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. રાજકોટ સંસદની ચૂંટણી લડી રહેલા રાજકીય પક્ષો દ્વારા મતદારોના સમૂહને રિઝવવા માટે ઘરે-ઘરે મત માગવાની છેલ્લી કવાયત ચાલી રહી છે. આવતીકાલે મતદાનનો દિવસ છે ત્યારે ઉમેદવારો દ્વારા પોતાનું પલડું ભારે કરવા માટે શામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવવામાં આવી રહી છે. ઠેર-ઠેર ભોજન સમારંભો અને તાયફાઓ યોજાઇ રહ્યા છે. છાને ખૂણે પ્યાસી મતદારોની ઇચ્છાઓ પણ સંતોષવામાં આવી રહ્યાનું જાણવા મળે છે.
રાજકોટ લોકસભાની ગત ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર કુંવરજીભાઇ બાવળિયા ભાજપનો પવન હોવા છતાં ચૂંટાઇ ગયા હોય આ ચૂંટણીમાં ભાજપ દ્વારા મોહનભાઇ કુંડારિયાને વિજેતા બનાવવા તમામ સારા-નરસા પાસાઓ પર નજર રાખવામાં આવી રહી છે અને ભાજપની વોટબેન્ક ગણાતા વિસ્તારોમાં કોંગ્રેસના ઉમેદવાર ગાબડું ન પાડે તે જોવા ઉપરાંત કોંગ્રેસની વોટબેન્કમાંથી લાભ મળે તેવા ચક્રો ગતિમાન કરાયા છે ત્યારે બીજી બાજુ કોંગ્રેસ દ્વારા પણ લોકસભાની ચૂંટણીમાં છવાયેલા નરેન્દ્ર મોદી નામના વાવાઝોડામાં કુંવરજીભાઇ બાવળિયાની નૈયાને પાર લગાવવા પૂરતું જોર લગાવવામાં આવી રહ્યું છે.