• Gujarati News
  • વિધાતા કોરા કાગળ ઉપર તારા હસ્તાક્ષરો શું કામ કરે છે

વિધાતા કોરા કાગળ ઉપર તારા હસ્તાક્ષરો શું કામ કરે છે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝાંઝરની ઉંમર ત્યારે પાંચ વર્ષની હતી. મને સુરતમાં આવ્યે હજી માંડ ચાર વર્ષ થયાં હતાં. ગામડેથી ફોન આવ્યો. હું અને મારી પત્ની તરત નીકળ્યાં. આખું ગામ મારી બહેન સીતાના ઘર પાસે એકત્ર થયું હતું. મને તો જેણે ફોન કર્યો હતો તેણે સમાચાર આપ્યા કે તમારા બહેન-બનેવીને એક્સિડન્ટ થયો છે, પણ લોકોને જોતા મને ફાળ પડી. મને જોતાં કેટલાક લોકો મારી પાસે આવી ગયા. તેમના શબ્દો કંઈક આવા હતા, રમેશ હિંમત રાખજે.’ તેમણે હિંમત રાખવાની વાત કરી અને મારી હિંમત તૂટી ગઈ. મને અંદાજ તો આવ્યો કે કંઈક અનઅપેક્ષિત બન્યું છે. મને લાગ્યું કે મારો શ્વાસ રૂંધાઈ જશે. મેં રીતસર મારી બહેનના ઘર તરફ દોટ મૂકી. દૃશ્ય જોતાં હું ભાંગી પડયો. ઘરમાં મારી બહેન અને બનેવીને જમીન ઉપર સુવાડયા હતા. ગળા સુધી કફન ઓઢાડેલું હતું. ગામમાં એસટીની સુવિધા સારી નહોતી એટલે બહેન-બનેવી અને તેમની દીકરી ઝાંઝરને લઈ નજીકના ગામે દર્શન કરવા ભાડાની જીપમાં જતા હતા. જીપે પલટી મારી. જેમાં બંનેએ જીવ ગુમાવ્યા હતા.
સીતાને ખૂબ ઈજા થઈ હતી, પણ તેને મરતાં સુધી પોતાની દીકરી ઝાંઝરને એવી રીતે જકડી રાખી હતી કે તેને સાદો ઘસરકો પણ પડયો નહોતો. બધી વિધિ પતાવી અમે ઝાંઝરને લઈ સુરત આવ્યા. મારે બે સંતાનો હતાં. પણ મારી પત્નીએ કહ્યું, આજથી ઝાંઝર આપણી દીકરી.’ હું પણ મૂળ સૌરાષ્ટ્રનો. નાનો હતો ત્યારે પિતાનું અવસાન થતાં થોડીઘણી ખેતી હતી તે સંભાળી. ઘરમાં મા અને બહેનની જવાબદારી મારા ઉપર આવી. હજી તો જિંદગી અને જવાબદારીને સમજું તે પહેલાં મા પણ ચાલી નીકળી. મેં મારા લગ્ન થાય તે પહેલાં નાનકડી સીતાનાં લગ્ન કરાવવાનો નિર્ણય કર્યો અને તેવું જ કર્યું. તેનો પતિ પણ સામાન્ય ખેડૂત હતો, પણ પ્રેમાળ માણસ હતો. સીતાનાં લગ્ન થતાં મેં પણ લગ્ન કર્યા. થોડીક જમીન હતી તે વેચી સુરતમાં હીરાનું નાનકડું કારખાનું શરૂ કર્યુ હતું, પણ ઝાંઝર મારા ઘરે આવી અને મારા નસીબ આડેનું પાંદડું ખસી ગયું. મારું કારખાનું મોટું બન્યું અને મારો કારોબાર મુંબઈ સહિ‌ત વિદેશ સુધી વધ્યો.
ઝાંઝર મારા ઘરનું પ્રિય પાત્ર. મારી પત્ની અને બાળકો પણ તેને ખૂબ વહાલ કરે. સુરતની એક શાળામાં તેનો અભ્યાસ પણ શરૂ થયો. ઝાંઝર પોતાના ભૂતકાળને ભૂલવા લાગી હતી. શરૂઆતના દિવસોમાં તે પોતાના મમ્મી-પપ્પાને યાદ કરી રડતી. પણ પછી તેણે અમને તેના મમ્મી-પપ્પા તરીકે સ્વીકારી લીધાં હતાં. હું ઘણી વખત ઝાંઝરને જોતો ત્યારે મને લાગતું કે મારી નાનકડી સીતા ફરી પાછી મારા ઘરે આવી છે. તેનો દેખાવ અને ચહેરો સીતા જેવો હતો. સીતા મારી નાની બહેન હતી. પણ જાણે મારી મા હોય તેમ મારી નાની નાની બાબતોની દરકાર રાખતી હતી અને હવે ઝાંઝર પણ તેવી જ હતી. હું કારખાનેથી પરત ફરું તેની સાથે તે હાથમાં પાણીનો ગ્લાસ લઈ ઊભી રહેતી હતી.
દીકરીઓની ઉંમર અને વાંસની ઊંચાઈને વધતા વખત નથી લાગતો. ઝાંઝર મોટી થઈ. તેના લગ્ન લેવાના હતા. હું મારા આંસુ રોકી શકયો નહીં. મારી સીતાની દીકરી ઝાંઝર જે હવે મારી પણ દીકરી હતી. તે હવે સાસરે જવાની હતી. ઝાંઝરમાં મારી સીતા પણ હતી. એટલે એક સાથે મારા ઘરમાંથી બે સ્ત્રીઓની વિદાય હતી. મેં તેના માટે એક સારું ઘર પસંદ કર્યુ અને છાતી ઉપર પથ્થર મૂકી કન્યાદાન કર્યુ. મનમાં ભગવાનને એક જ પ્રાર્થના હતી. તેના કષ્ટો મને આપજે અને મારું સુખ તેને આપજે. સાસરે જતી વખતે ઝાંઝર પણ ખૂબ રડી હતી. ઝાંઝર સાસરે ગઈ ત્યાર બાદ અવારનવાર હું અને મારી પત્ની તેને મળવા માટે સાસરે જતા હતા. પણ તેના ચહેરા ઉપર ખુશી નહોતી. મેં તેને પૂછયું. પણ તેણે કહ્યું ના, ના, તે ખૂબ ખુશ છે. તેના લગ્નને બે વર્ષ થઈ ગયાં. પણ હજી સુધી કોઈ સારા સમાચાર નહોતા. મારી પત્નીએ ઝાંઝરને પૂછયું. પણ તેણે યોગ્ય જવાબ આપ્યો નહીં. પણ ઝાંઝરના સાસુ ઘરમાં ઘોડિયું નથી બંધાયું તે મુદ્દે ખૂબ નારાજ હતા.
મેં મારા જમાઈને વિનંતી કરી કે બન્નેના મેડિકલ ટેસ્ટ કરાવી લઈએ. પણ તે મારી વાત સાંભળી નારાજ થયા અને તેમણે લગભગ મારી સાથે વાત કરવાની જ બંધ કરી દીધી. આમ કરતા કરતા પાંચ વર્ષ થઈ ગયાં. ઝાંઝરને હવે વાંઝણી કહી મહેણા મારતા હતા. જ્યારે મને આ વાતની ખબર પડી ત્યારે મેં તેની સાસરીમાં જઈ હાથ જોડી વિનંતી કરી કે ઝાંઝર સાથે આવો વ્યવહાર ના કરતા. પણ તેમાં સુધારો થયો નહીં. આખરે તેમણે ઝાંઝરને છૂટાછેડા આપવાનો નિર્ણય કર્યો. મારી દીકરી ઝાંઝર પાછી ફરી. ખૂબ દુ:ખી હતી. મેં તેને સમજાવી. પણ આશ્વાસન તેની દવા નહોતી. ઘણા જખ્મોની દવા સમય જ હોય છે.
બે વર્ષ બાદ તેને ફરી લગ્ન માટે સમજાવી અને અમદાવાદના એક મધ્યમવર્ગીય પરિવારમાં તેના લગ્ન લીધાં. માણસો ગરીબ હતા, પણ સમજદાર હતા. જિંદગીમાં જ્યારે ખરાબ થવાની શરૂઆત થાય ત્યારે સારું બને તો પણ ડર લાગે છે. ઝાંઝરના બીજા લગ્નના બીજા જ વર્ષે તેના ઘરે બાળકનો જન્મ થયો. મને દાદા થવાની ખુશી તો હતી, પણ મારી ઝાંઝરને વાંઝણી કહી કાઢી મૂકનારને લપડાક હતી. ઝાંઝર પણ ખુશ હતી. તે જ્યારે પહેલી સુવાવડ કરવા માટે મારા ઘરે આવી ત્યારે ખૂબ જ રાજી હતી. પછી તે પોતાના પતિ અને બાળક સાથે તેના સંસારમાં મસ્ત હતી. પણ દર અઠવાડિયે તેનો ફોન અચૂક આવતો. ઝાંઝરનો ફોન આવે ત્યારે મારો બધો જ થાક ઊતરી જતો. ઝાંઝર પાસે સગવડો ઓછી હતી, પણ સુખ વધારે હતું.
ઝાંઝરનો દીકરો પણ મોટો થવા લાગ્યો હતો, ત્યારે સાત વર્ષનો હતો. એક દિવસ ઝાંઝરના પડોશી અને ઝાંઝરના પતિ વચ્ચે ઝઘડો થઈ ગયો. પડોશીઓ વચ્ચે ઝઘડો થવો આમ વાત હોય છે. પણ તે દિવસે કંઈક જુદું બન્યું. ઝાંઝરના પતિએ ગુસ્સામાં આવી પડોશીને લાકડી ફટકારી દીધી અને પડોશી ત્યાં જ ઢળી પડયો. પોલીસે તેની હત્યા કરવાના આરોપસર ધરપકડ કરી. મેં ઝાંઝરનો સંસાર બચાવવા ખૂબ પ્રયત્નો કર્યા. જેની હત્યા થઈ હતી તે પરિવારને પણ મળ્યો અને મારાથી બનતી તમામ આર્થિ‌ક મદદ કરવાની તૈયારી બતાડી. પરંતુ જેમણે પોતાનો માણસ ગુમાવ્યો હતો તેમણે મને હાથ જોડીને વિનંતી કરી, આપી શકો તો અમારો માણસ પાછો આપો. બાકી પૈસા અમારે જોઈતા નથી.’ તેમની વાત પણ સાચી હતી. હું ફરી વાર કુદરત સામે લાચાર બની ગયો હતો. મારી ઝાંઝરની જિંદગીનો સવાલ હતો.
કો‌ર્ટ કચેરીના ધક્કા શરૂ થયા. વકીલો રોક્યા. પણ કેસ ચાલ્યો ત્યારે કો‌ર્ટે તમામ પુરાવાઓ ધ્યાનમાં રાખી ઝાંઝરના પતિને આજીવન કારાવાસની સજા ફટકારી. આજે ઝાંઝરનો પતિ જેલમાં છે જ્યારે ઝાંઝર અને તેનો દસ વર્ષનો દીકરો તેની બહાર રાહ જોઈ રહ્યા છે. રમેશભાઈએ પોતાની વાત પૂરી કરી ત્યારે તેમની સૂકી આંખો તેવી જ નિસ્તેજ અને કોરી હતી. કદાચ આટલી પરીક્ષાઓ પછી તેઓ રડવાનું પણ ભૂલી ગયા હતા. તે મને મળી નીકળી રહ્યા હતા ત્યારે મારી પાસે કોઈ શબ્દો નહોતા.