• Gujarati News
  • જરૂરી નથી કે તમે ઉગાડેલાં ઝાડનું ફળ આ જીવનમાં જ મળે

જરૂરી નથી કે તમે ઉગાડેલાં ઝાડનું ફળ આ જીવનમાં જ મળે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ર્ષ ૧૯પ૯માં એક ગુપ્ત કમાન્ડો ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જાન્યુઆરી મહિ‌નો હતો. અડધી રાત્રે ૧૨ વાગે જ્યારે આખું શહેર ઊંઘી ગયું હોય ત્યારે આ ઓપરેશન શરૂ કરવાની યોજના બનાવવામાં આવી. લક્ષ્ય હતું કે તેને રાતના બે વાગ્યા સુધી પૂરું કરી લેવામાં આવે. આ અંગે ઓપરેશન સાથે જોડાયેલા પાંચ લોકો સિવાય બીજું કોઈ જાણતું નહતું. તેને માટે બે દિવસ પહેલાં મજૂરોને બોલાવીને વાંસ-લાકડાં અને ઘાસની દીવાલ, છત વગેરે બધું જ તૈયાર કરી દેવાયું હતું. અંતિમ કામ માટે મજૂરોને રાત્રે ૧૧.૪પ કલાકે બોલાવાયા હતા. જે પાંચ લોકો આ ઓપરેશન કરવાના હતા, તેમણે રાત્રે ૧૧.૧પ કલાકે ભેગા થવાનું હતું, પરંતુ તેમાંથી એક બીમાર પડી ગયો. ચારેયની ચિંતા વધી ગઈ. તેમાંથી એક રામલખન પ્રસાહ સિંહાએ બધાને શાંત પાડયા અને પોતાના ઘરે ગયો. ત્યાં પોતાના પુત્ર આનંદને જગાડયો અને પોતાની સાથે લઈને ભૂમિપૂજનની જગ્યાએ ગયા. પૂજા માટે પાંચની જરૂર હતી, આથી પાંચ લોકો થઈ ગયા હતા. આનંદ સાતમા ધોરણમાં ભણતો હતો, તે કશું સમજી શકતો ન હતો. ચોક્કસ સમયે મજૂરો આવ્યા અને નિર્ધારિત સમયમાં એક ઝૂંપડી બની ગઈ, જેના પર ચારેયે એક બેનર લગાવી દીધું કર્મચારી બાલિકા વિદ્યાલય.’ આ ઘટના બિહારના ડાલમિયાનગરની છે. જે જગ્યાએ આ ગેરકાયદે નિર્માણ કરાયું હતું એ સ્થાન હતું રોહતાસ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. કંપનીના કર્મચારીઓ છોકરીઓ માટે એક અલગ સ્કૂલ શરૂ કરવા અનેક વખત કંપનીને વિનંતી કરી ચૂક્યા હતા, પરંતુ કંપનીએ આંખ આડા કાન કર્યા હતા. આથી પાંચ મિત્રોએ ભેગા થઈને એક યોજના બનાવી. કંપનીની જ ખાલી જમીન પર ઝૂંપડીમાં શાળા શરૂ કરી દીધી. એક મહિ‌નામાં આ સ્કૂલમાં છોકરીઓની સંખ્યા ૧૦૦ અને છ મહિ‌નામાં તો ૩૦૦એ પહોંચી ગઈ. જરૂર પ્રમાણે સ્કૂલમાં બીજા રૂમ પણ બનતાં ગયા, બધા જ ગેરકાયદે. કંપનીનું મેનેજમેન્ટ આ બધું જાણતું હતું, પરંતુ કશું બોલ્યું નહીં. આખરે થાકીને મેનેજમેન્ટને સ્કૂલનું સંચાલન પોતાના હાથમાં લેવું પડયું.
થોડાં વર્ષ બાદ આ સ્કૂલને કંપનીની છોકરાઓની સ્કૂલમાં શિફ્ટ કરી દેવાઈ. પછી ત્યાં કોલેજમાં પ્રવેશ માટે રાત્રે એક્સ્ટ્રા ક્લાસિસ શરૂ થયા. જેને મગધ યુનિવર્સિ‌ટીની માન્યતા મળી ગઈ. આ ક્લાસિસનું નામકરણ કોલેજ ડાલમિયા નગર રાખવામાં આવ્યું. આજે આ કોલેજ મગધ યુનિવર્સિ‌ટીનો એક ભાગ બની ગઈ છે. તેનું એક નવું બિલ્ડિંગ પણ બની ગયું છે. જેનું નામ મહિ‌લા મહાવિદ્યાલય દેહરી રખાયું છે. એ પાંચ મિત્રો, જેમણે આ કામનો પાયો નાખ્યો હતો, તેમાંથી કોઈ પણ આજે આ દુનિયામાં નથી. ભૂમિપૂજનમાં સંયોગથી સામેલ થયેલો આનંદ પણ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં ચીફ મેનેજરપદેથી નિવૃત્ત થઈ ચૂક્યો છે.
ફંડા એ છે કે, તમે જ્યારે કોઈ છોડ ઉગાડો છો તો જરૂરી નથી એ તમારા જીવનકાળમાં જ ફળ આપવા લાગે. ઘણી વખત તમારી દુનિયા છોડી દીધા બાદ તેમાં ફળ બેસે છે. પરંતુ તેની સાથે તમારું નામ જરૂર જોડાયેલું રહે છે.