• Gujarati News
  • ૨૭ ચિચોડાવાળાને ત્યાં કાચના ગ્લાસ સ્થળ પર જ ફોડી નખાયા

૨૭ ચિચોડાવાળાને ત્યાં કાચના ગ્લાસ સ્થળ પર જ ફોડી નખાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ.રાજકોટ
રાજકોટમાં ઉનાળો શરૂ થતાં જ પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચકતાં મનપાની આરોગ્યશાખાએ ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ ઝુંબેશ શરૂ કરી છે. એ સંદર્ભે આરોગ્યના ધારાધોરણો ન જાળવતા શેરડીના રસના ચિચોડાવાળાઓ ઉપર ધોંસ બોલાવવા ત્રણેય ઝોનમાં ટીમ ઉતારવામાં આવી છે. બુધવારે ૪૮ ચિચોડાવાળાને ત્યાં ચેકિંગ થતા જે ધંધાર્થીઓ ડિસ્પોઝેબલ ગ્લાસ વાપરતા ન હતા તેમને ત્યાં કાચના ગ્લાસ સ્થળ પર જ ફોડાયા હતા.
ડિસ્પોઝેબલ ગ્લાસના બદલે કાચના ગ્લાસ વાપરવાથી માંડી જનઆરોગ્યને નુકસાન થાય એવી ગુનાહિ‌ત બેદરકારી દાખવતા ચિચોડાવાળા સામે કાયદેસરના પગલાં લેવા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. નાયબ આરોગ્ય અધિકારી પી.પી.રાઠોડની સૂચનાથી ફૂડ ઇન્સ્પેક્ટર અમિત પંચાલ સહિ‌તના સ્ટાફે યુનિવર્સિ‌ટી રોડ, સાધુ વાસવાણી રોડ, રામાપીર ચોકડી, નાણાવટી ચોક, સોરઠિયાવાડી, ભાવનગર રોડ, મોચીબજાર, પેડક રોડ, દેવપરા, ટાગોર રોડ, સંતકબીર રોડ સહિ‌તના વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું.
શેરડી ઉપરાંત કેરીના રસ વેચતા વેપારીઓને ત્યાં પણ ચેકિંગ થયું હતું. કુલ ૪૮ ધંધાર્થીઓને ત્યાં થયેલા ચેકિંગ દરમિયાન ૨૭ વેપારીઓને ત્યાં કાચના ગ્લાસ મળી આવ્યા હતા. મનપાના સ્ટાફે આ કાચના ગ્લાસ ધંધાર્થીની નજર સામે જ ફોડી નાખ્યા હતા અને એવી આખરી ચેતવણી આપી હતી કે, હવે જો કાચનો ગ્લાસ વાપરવામાં આવશે તો ચિચોડો જપ્ત કરી લેવામાં આવશે.