• Gujarati News
  • આદર્શ કેસમાં શિવસેનાની અરજી કો‌ર્ટે નકારી કાઢી

આદર્શ કેસમાં શિવસેનાની અરજી કો‌ર્ટે નકારી કાઢી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પીટીઆઈ. મુંબઈ
આદર્શ કૌભાંડમાં એમઆરટીપી ((મહારાષ્ટ્ર રિજ્યોનલ ટાઉન પ્લાનિંગ)) એક્ટ અને એન્વાયર્નમેન્ટ ((પ્રોટેકશન)) એક્ટ લાગુ કરવાની શિવસેનાનાં નેતા નીલમ ગોરહેની જાહેર હિ‌ત અરજી કો‌ર્ટે નકારી કાઢી છે.
જો તમે ચાહતા હો તો સંબંધિત દસ્તાવેજો સાથે આ કેસની તપાસ કરતી સીબીઆઈનો સંપર્ક સાધો, એમ જસ્ટિસ એન. એચ. પાટીલ અને અનુજા પ્રભુદેસાઈની ખંડપીઠે નિર્દેશ આપ્યા હતા. સીબીઆઈમાં એફઆઈઆરમાં જેમનાં નામો નોંધ્યાં છે તે સર્વની સામે એમઆરટીપી, પર્યાવરણ સુરક્ષા ધારા ઉપરાંત બેનામી લેણદેણ ધારા લાગુ કરવા માટે નિર્દેષ આપવા માટે આ અરજી ગોરહેએ કરી હતી. સીબીઆઈના વકીલ હિ‌તેન વેણગાવકરે કો‌ર્ટને આજે જણાવ્યું હતું કે અમે હાઉસિંગ કૌભાંડના ભાગરૂપે બેનામી લેણદેણનો મામલો તપાસ કરી રહ્યા છીએ.
આથી કો‌ર્ટે ગોરહેને અન્ય ધારાઓ સંબંધે સીબીઆઈ પાસે જવા માટે નિર્દેશ આપ્યો છે. આવું કરવા માટે તમારે કો‌ર્ટની સંમતિ લેવાની જરૂર નથી. તમને તે અધિકાર છે, એમ કો‌ર્ટે નોંધીને અરજીનો નિકાલ કાઢયો હતો.
મહારાષ્ટ્ર સરકાર દ્વારા આ કૌભાંડની તપાસ કરવા માટે નિમાયેલા બે સભ્યના ન્યાયાલયીન તપાસ પંચનાં તારણો પર ગોરહેએ અરજીમાં આધાર રાખ્યો હતો. આ પંચે આખરી અહેવાલમાં નોંધ્યું હતું કે સોસાયટીએ કેન્દ્ર સરકારના પર્યાવરણ મંત્રાલયની પરવાનગી લીધી નહોતી. દક્ષિણ મુંબઈની આ પોશ સોસાયટીમાં ૧૦૦ ફ્લેટમાંથી ૨૨ ફ્લેટ બેનામી હોવાનું પણ પંચે નોંધ્યું હતું.