• Gujarati News
  • સોનીના ઘર પાસે ત્રણ સપ્તાહ રેકી કરી

સોનીના ઘર પાસે ત્રણ સપ્તાહ રેકી કરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દોઢ વર્ષથી મોટો હાથ મારવા માટે માલેતુજાર શિકારની શોધમાં રહેલા અર્જુનને ટીપ મળી હતી કે અમિત આડેસરાનું કામ મોટું છે. દર શનિવારે રાતે સોનાના તમામ ઘરેણાં ઘરે લઇ જવાય છે અને સોમવારે વહેલી સવારે ઘરેથી ઘરેણાં લઇને કારખાને જાય છે. આ માટે તેણે ત્રણ અઠવાડિયા સુધી રેકી કરી હતી. ૧૭ તારીખે સોમવાર હતો અને એ જ દિવસે મુખ્યમંત્રીનો રાજકોટમાં કાર્યક્રમ હોવાથી શહેરભરની પોલીસ બંદોબસ્તમાં વ્યસ્ત હોઇ એ જ દિવસે તેણે લૂંટને અંજામ આપ્યો હતો.
લૂંટ કર્યા બાદ નોકરી કરી! બે મહિ‌ના બાદ લગ્ન છે
સૂત્રધાર અર્જુન રાજકોટમાં ગોંડલ ચોકડી નજીક ટાટાના શોરૂમ પાછળ સુધીર ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં નોકરી કરતો હતો. સવારે સાડા સાત વાગ્યે લૂંટને અંજામ આપ્યા બાદ અઢી કરોડના ઘરેણાં સલામત સ્થળે છુપાવીને સાડા આઠ વાગે તે સુધીર ઇન્ડસ્ટ્રીઝમાં નોકરી કરવા પણ ગયો હતો જેથી તેની ઉપર કોઇને શંકા ન જાય. અર્જુનની સગાઇ થઇ ચૂકી છે, મે મહિ‌નામાં તેના લગ્નની તારીખ નક્કી થઇ ગઇ છે.
આરોપી સતત સંપર્કમાં હતા જેથી શંકા મજબૂત બની
લૂંટનો ભેદ ઉકેલવા ક્રાઇમબ્રાંચના એસીપી બીડી રબારી, પીએસઆઇ એસએસ નિનામા, કે.કે.ઝાલા ટીમ સાથે મહેનત કરી રહ્યા હતા. અગાઉ લૂંટ, હથિયારમાં પકડાયેલા અર્જુન પાસવાન અને તેના બે સાગરીતની લૂંટમાં સંડોવણી હોવાની કોન્સ્ટેબલ કિશોરભાઇ ઘુઘલ, જાવીદ હુશેન રિઝવી અને વિરમભાઇ ધગલને બાતમી મળી હતી. બ્રાંચના તત્કાલીન ઇન્ચાર્જ પીઆઇ નિનામાએ અર્જુન પાસવાનનો ક્રાઇમ રેકો‌ર્ડ‌ ચકાસતા લૂંટની મોડસ ઓપરેન્ડી અર્જુનની ગુનો કરવાની પધ્ધતિ મુજબની હોવાથી શંકા મજબૂત બની હતી. ત્રણેયના મોબાઇલની કોલ ડિટેઇલ ચકાસતા બનાવના દિવસોમાં ત્રણેય સતત સંપર્કમાં હોવાના અને બનાવ સ્થળે હાજરી હોવાના પુરાવા મળ્યા હતા. આરોપીઓને પકડવા એક ટીમને બિહાર મોકલવામાં આવી હતી. કમનસીબે પોલીસ પહોંચી એના આગલા દિવસે જ અર્જુન બિહારથી ગુજરાત જવા નીકળી ગયો હતો.
ચોરાઉ બાઇકનો ઉપયોગ, આ રીતે ચલાવી હતી લૂંટ
લૂંટ કરવા માટે અર્જુને બનાવના દોઢ માસ પહેલા ગેબનશા પીરની દરગાહ નજીકથી બાઇકની ઉઠાંતરી કરી નંબર પ્લેટ બદલી નાખી હતી. એ બાઇક તેણે દૂધસાગર રોડ ઉપર રહેતા વિશાલ પાંડેને સાચવવા આપ્યું હતું. બનાવની સવારે બાઇક મગાવી લીધું હતું. દિનેશ બાઇક ચલાવતો હતો, અર્જુન પાછળ બેઠો હતો. જ્યારે આઇટીઆઇનો વિદ્યાર્થી વિજય પાટીલને બીજા બાઇક ઉપર પેલેસ રોડ ઉપર વોચ રાખવાની જવાબદારી સોંપી હતી.