• Gujarati News
  • કારતકી પૂનમે ચાતુર્માસની પૂર્ણાહુતિ

કારતકી પૂનમે ચાતુર્માસની પૂર્ણાહુતિ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. રાજકોટ
કારતક માસની પૂનમના સ્થાનકવાસી જૈન સંઘ તેમજ તપગચ્છ જૈન સંઘ તથા અજરામર જૈન સંઘના ચાતુર્માસની પૂર્ણાહુતિ થશે તેમજ સાધુ ભગવંતો તેમજ મહાસતીઓ કારતક વદ-૧ સોમવારથી વિહાર આરંભ કરશે. શહેરના ૩૨ ઉપાશ્રય તેમજ ૨૪ દેરાશસરોમાં બિરાજમાન ૨૦૦થી પણ વધુ મહારાજ સાહેબો તેમજ મહાસતીઓ વિહાર કરશે.
સ્થાનક તેમજ દેરાવાસી જૈન સમાજના ચાતુર્માસનો આરંભ અષાઢ સુદ ૧પ થી થયો હતો. અને તેની પૂર્ણાહુતિ કારતક સુદ-૧પ અને રવિવારે થશે જયારે વિહારનો આરંભ ૧૮ નવેમ્બર કારતક વદ-૧ સોમવારથી થશે. રોયલ પાર્ક ઉપાશ્રય પ્રમુખ ચંદ્રકાંતભાઇ શેઠના જણાવ્યા મુજબ સરદારનગર ઉપાશ્રય ખાતે બિરાજમાન ગિરીશમુનિ મહારાજના ચાતુર્માસ પૂનમે પૂર્ણ થયા બાદ તેઓ શેઠ ઉપાશ્રય ખાતે સ્થિત થશે. તો સરદારનગર, જૈન મોટા સંઘ, પ્રહલાદ પ્લોટ, રોયલ પાર્ક રેસકો‌ર્સ પાર્ક સહિ‌તના ઉપાશ્રયોમાં સ્થિતી ૧પ૦ મહાસતી, સાધવીઓ પણ અન્યત્ર વિહાર કરશે.
તપગચ્છ જૈન સંઘ માંડવી ચોક દેરાસરના પ્રમુખ જીતુભાઇ દેસાઇના જણાવ્યા મુજબ શહેરના ૨૪ દેરાસરોમાં ૬૦ થી પણ વધુ સાધુ સાધ્વીઓ બિરાજમાન છે. જેઓ કારતક વદ - એકમથી અલગ-અલગ સ્થળે વિહાર કરશે. જો કે વર્ધમાનનગર દેરાસર ખાતે સ્થિત નયનવર્ધનસુરિશ્વરજી તેમજ મહાસતીઓ, આદી ઠાણા કારતક વદ-૧ સોમવારથી વિહાર કરશે.