• Gujarati News
  • શહેરમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રસ્તકમોસમી વરસાદ બાદ ઠંડી ગાયબ : હોળી પહેલા ઉનાળાનો પ્રારંભ : બપોરન

શહેરમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રસ્તકમોસમી વરસાદ બાદ ઠંડી ગાયબ : હોળી પહેલા ઉનાળાનો પ્રારંભ : બપોરનાં સમયે રસ્તાઓ સુમસામ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. જૂનાગઢ
જૂનાગઢ શહેરમાં પડેલા કમોસમી વરસાદ બાદ ઠંડી ગાયબ થઇ ગઇ છે. છેલ્લા બે દિવસથી શહેરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. જાણેકે, હોળી પહેલાંજ ઉનાળાનો પ્રારંભ થઇ ગયો છે. ઓફીસ, દુકાન, ઘરમાં એસી, પંખા ફૂલ થઇ ગયા છે. બપોરનાં સમયે બજારોમાં ટ્રાફીક ઘટી રહ્યો છે.
મકરસંક્રાંતિ બાદ ઠંડીનું જોર ઘટતું જાય છે. અને હોળી બાદ વિધીવત શિયાળાની ઋતુ વિદાય લઇ લે છે. પરંતુ થોડા દિવસ પહેલા વાતાવરણમાં આવેલા પરીવર્તનનાં કારણે શહેરમાં તોફાની કમોસમી વરસાદ થયો હતો. કમોસમી વરસાદ બાદ શહેરમાં લઘુતમ તાપમાનમાં વધારો શરૂ થયો છે. ઠંડીનો જોર ઘટતાં ગરમી વધી છે. ગરમી વધતાં લોકો પંખા, એસી ચાલુ રાખતા થયા છે. શિયાળામાં ઘરની બારીઓ જે બંઘ રહેતી. એ લોકો હવે ખુલ્લી રાખતા થયા છે. રાત્રીનાં પણ લોકો ઘરની અંદર ભારે બફારાનો અનુભવ કરી રહ્યા છે. તેમજ ગરમ પવન ફુંકાતાં લોકો મોં પર રુમાલ રાખી જતા જોવા મળી રહ્યા છે. છેલ્લા પાંચ દિવસથી ઠંડીએ વિદાય લેતાં ગરમીનો દોર શરૂ થયો છે. વહેલી સવારે પણ હવે લોકો ગરમ કપડામાં જોવા મળતા નથી. લોકોએ ગરમ કપડાં કબાટમાં મૂકી દીધા છે. ગરમીનો દોર શરૂ થતાં લોકો અગાશી પર સુવાની તૈયારીઓ કરી રહ્યા છે.
આજે જૂનાગઢમાં કાળઝાળ ગરમી પડતાં લોકો અકળાઇ ઉઠયા હતા. ગરમીનાં કારણે બપોરનાં શહેરની બજારોમાં ટ્રાફીક ઘટી ગયો હતો. રસ્તાઓ પણ ખાલી ભાસતા હતા. હવામાન ખાતાનાં જણાવ્યા મુજબ, આજે શહેરનું મહત્તમ તાપમાન ૩૭.પ, લઘુતમ તાપમાન ૧૭ ડીગ્રી રહ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે પ૦ અને બપોરે ૧૬ ટકા નોંધાયું હતું. પવનની ઝડપ પ.૬ કિમી/કલાકની રહી હતી.