Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
તનસુખગિરીજીની નિમણૂંક હાલ ૧ વર્ષ પૂરતી
’ ભારતીબાપુને જૂના અખાડાનાં
આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ અને
ઇન્દ્રભારતીજીને ઉપાધ્યક્ષ
બનાવાયા
ભાસ્કર ન્યૂઝ. જૂનાગઢ
ગિરનારની ગોદમાં બિરાજતા ભવનાથ મહાદેવ એટલે જાણેકે, મહાશિવરાત્રિનાં મેળાનું હેડ ક્વાર્ટર. મેળો ભવનાથ મહાદેવ મંદિરને કેન્દ્ર સ્થાને રાખીનેજ યોજાય છે. આથી તેનાં મહંતનું સ્થાન પણ મહત્ત્વનું બની રહે છે. ત્યારે તાજેતરમાંજ મોટાપીરબાવા તનસુખગિરીજીની ભવનાથ મંદિરનાં મહંત તરીકે થયેલી નિમણૂંક હાલ એક વર્ષ પૂરતીજ હોવાનું જાણવા મળ્યું છે. સાથોસાથ ભારતીબાપુને જૂના અખાડાનાં આંતર રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઇન્દ્રભારતીજીને ઉપાધ્યક્ષ બનાવાયા છે.
ગિરનારની ગોદમાં બિરાજમાન ભવનાથ મહાદેવ મંદિરનાં મહંતપદે તાજેતરમાંજ મોટાપીરબાવા તનસુખગિરીજીની નિમણૂંક કરવામાં આવી છે. આ નિમણૂંક જોકે, જિલ્લા કલેક્ટરે એક વર્ષ માટેની કામચલાઉ ધોરણે કરાયાનું જૂના અખાડાનાં મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજીએ જણાવ્યું હતું. દરમ્યાન આજે જૂના અખાડા ખાતે વરિષ્ઠ સંતોની એક બેઠક પણ યોજાઇ હતી. જેમાં અખાડાનાં આંતર રાષ્ટ્રીય અધ્યક્ષ પદે મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજીની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે ઉપાધ્યક્ષ પદે રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમનાં ઇન્દ્રભારતીજીની નિમણૂંક કરાઇ છે. એમ પણ ભારતીબાપુએ જણાવ્યું હતું.