- Gujarati News
- ભોલેનાથની ભક્તિમાં ભાવિકો તરબોળઉતારા અન્નક્ષેત્રોમાં ભાવિકોની ભીડ જામી રહી છેટ્રેન બસ હજુ ખાલ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભોલેનાથની ભક્તિમાં ભાવિકો તરબોળઉતારા અન્નક્ષેત્રોમાં ભાવિકોની ભીડ જામી રહી છેટ્રેન-બસ હજુ ખાલી, અમદાવાદ, રાજકોટનો ટ્રાફિક બીજા દિ’ એ પણ ન મળ્યોબપોરથીજ ભાવિકોને લઇ જતા ખાનગી વાહનોનો ટ્રાફિકશિવરાત્રીનાં મેળામાં બીજા દિવસે સવા લાખથી વધુ ભાવિકો ઉમટયા
ભાસ્કર ન્યૂઝ. જૂનાગઢ
મહાશિવરાત્રિનો મેળો આ વખતે ચારજ દિવસનો છે. પરિણામે આ વખતે બીજાજ દિવસથી મેળામાં ભાવિકોની ભીડ ઉમટવા લાગી છે. છેલ્લા કેટલાક વર્ષોથી મેળામાં પહેલા અને બીજા દિવસે ભવનાથ ખાલી-ખાલી લાગતું હોય છે. તેને બદલે આજે બીજા દિવસે બપોરે બારેક વાગ્યાથીજ ભાવિકોનો પ્રવાહ ભવનાથ તરફ વ્હેવા લાગ્યો હતો. જોકે, બહારગામથી આવતા લોકો ઘણુખરું ખાનગી વાહનોમાંજ આવતા હોઇ બહારથી આવતી એસટી બસો અને ટ્રેનોમાં જોઇએ એવી ભીડ જોવા મળી નથી. ઉતારા-અન્નક્ષેત્રોમાં ભીડ જામી રહી છે. બીજી તરફ ભાવિકો નાગા સાધુઓનાં
દર્શનાર્થે ઉમટી રહ્યા છે.
મહાશિવરાત્રિનાં મેળામાં આજે બીજા જ દિવસે સવાલાખથી વધુ ભાવિકોની ભીડ જોવા મળી હતી. ખાસ કરીને દામોદર કુંડથી ભવનાથ મંદિર સુધી અવિરતપણે ભાવિકોનો પ્રવાહ વ્હેતો જોવા મળ્યો હતો. લોકો પરિવાર સાથે ભવનાથ મહાદેવનાં દર્શન કરી, બાદમાં નાગાબાવાઓનાં દર્શન કરી મેળામાં ખાણી-પીણીનાં સ્ટોલ તરફ વળે છે. મહિલાઓ બંગડી-માળા-બુટ્ટી જેવી ચીજો ખરીદે છે. તો બાળકોમાં રમકડાં, ચગડોળ, વગેરેનું આકર્ષણ રહે છે. આજે ઢળતી સાંજે શહેરીજનોની સંખ્યા પણ સારી એવી જોવા મળી હતી. જેને પગલે દૂર દૂરથી પેટિયું રળવા આવેલા ધંધાર્થીઓને પણ તડાકો પડયો હતો. તો ખાણી-પીણીનાં સ્ટોલો પર પણ ભીડ જોવા મળી હતી. છેલ્લા કેટલાક વર્ષોથી અવનવી ચીજો વેચવા આવનારાઓની સંખ્યા વધી છે. ત્યારે મંદિર અને આશ્રમોની આસપાસ પણ લોકોની ખાસ્સી એવી ભીડ રહે છે. અન્નક્ષેત્રો અને ઉતારાઓમાં બપોરે ભોજનની કતારો લાગે છે. જેમાં ઘણુંખરું બહારગામનાં ભાવિકોજ વધુ હોય છે. જ્યારે શહેરનાં લોકો ભેળ-પાણીપુરી-ફ્રૂટ ડીશ-આઇસ્ક્રીમ પર પસંદગી ઉતારે છે.