• Gujarati News
  • આજે મતદાન : ઉમેદવારોનાં ભાવિ થશે કેદઉમેદવારો, રાજકીય કાર્યકરો આગેવાનો દ્વારા કતલની રાતે એડીચોટી

આજે મતદાન : ઉમેદવારોનાં ભાવિ થશે કેદઉમેદવારો, રાજકીય કાર્યકરો-આગેવાનો દ્વારા કતલની રાતે એડીચોટીનું જોર લગાવાયું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. જૂનાગઢ
જૂનાગઢ લોકસભા બેઠક પર હાલ ભારે કશ્મકશની સ્થિતી સર્જા‍ઇ છે. તેમાંય ઘણાં મતદારોનાં નામો યાદીમાંથી કમી થવાની ઘટનાને પગલે દેકારો પણ અત્યારથીજ થવા લાગ્યો છે. ત્યારે આવતીકાલે મતદાન કેટલું થશે ? ભારે ગરમી વચ્ચે મતદાનની પેટર્ન કેવી રહેશે ? લોકોમાં મતદાન પ્રત્યેનો ઉત્સાહ કેવોક રહેશે તેની ઉત્તેજના હવે રાજકીય લોકો જ નહીં, પાનનાં ગલ્લે પણ સર્જા‍ઇ છે. ખાસ કરીને અન્ય રાજ્યોમાં અત્યાર સુધી થયેલા ભારે મતદાનને જોતાં લોકોનો ઝોક કેવો અને કોના તરફનો હશે એનો જુદો જુદો અંદાજ લોકો પોતપોતાની રીતે લગાવી રહ્યા છે.
ચૂંટણીની આગલી રાતને કતલની રાત કહેવાય છે. આ રાત્રિ દરમ્યાન લોકસભાની બેઠકમાં સરેરાશ ચારથી પાંચ હજાર મતને પોતાની તરફેણમાં ખેંચવાના પેંતરા ઉમેદવારો, રાજકીય આગેવાનો-કાર્યકરો કરતા હોય છે. મોટાપાયે રોકડ રકમની લેતીદેતી પણ આજ રાત્રિએ થતી હોય છે. ઉમેદવારો આ રાત્રે જો મતદારો પોતાનાં ન થઇ શકે તો કમસેકમ હરીફનાં મતોમાં ગાબડું પાડવાનાં પેંતરા તો કરી જ નાંખે છે. આ વખતનાં ઉનાળામાં ચૂંટણી પ્રચાર ઘણુંખરું ગ્રાઉન્ડને બદલે ટીવી પર વધુ રહ્યો. આથી રાત્રિનાં પાનના ગલ્લે અથવા ટોળે વળીને ઉભેલા લોકો પણ આ વખતે ચૂંટણી પ્રચાર સાવ શુષ્ક રહ્યોની ચર્ચા વધુ સાંભળવા મળી હતી.
જોકે, અગાઉનાં તબક્કામાં થયેલા વધુ મતદાનને લીધે અહીં પણ ઉમેદવારોનાં ગ્રાઉન્ડ વર્ક સઘન ન હોવા છત્તાં મતદાન વધુ થાય તો નવાઇ નહીં, એવી શક્યતા પણ વધુ સેવાઇ રહી છે. ટીવી અને પ્રસાર માધ્યમો થકી મતદાન તો કરવુંજ. એવી લોક જાગૃતિ પણ સારી પેઠે કેળવાઇ છે. મતદારોને પોતાની તરફેણમાં મતદાન મથક સુધી ખેંચી લાવવાની ઝાઝી મહેનત આવતીકાલે ઉમેદવારો કે રાજકીય પક્ષોએ કરવી નહીં પડે. આ સ્થિતીમાં પોતાને શો ફાયદો એની ગણતરી ઉમેદવારો માંડી રહ્યા છે.