• Gujarati News
  • મેઘાણી સર્કલમાં શાંત આંદોલનનું ગળું ટૂંપી દેવાનો પ્રયાસ

મેઘાણી સર્કલમાં શાંત આંદોલનનું ગળું ટૂંપી દેવાનો પ્રયાસ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધર્મેન્દ્ર પાઠક ભાવનગર ૨૪ એપ્રિલ
ભાવનગર શહેરના મેઘાણી સર્કલ વિસ્તારમાં વિધર્મીઓ દ્વારા મિલકત ખરીદીના મામલે ચાલી રહેલા શાંત આંદોલનમાં ગત તા.૧૯ના રોજ વિહિ‌પના નેતા ડો.પ્રવિણભાઇ તોગડીયા આવ્યા અને તેમના તેજાબી પ્રવચન બાદ આ વિસ્તારમાં એકાએક પરિસ્થિતિમાં પલટો આવ્યો છે. આજની તારીખે આ વિસ્તારમાં પોલિસનો મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો છે અને બે દિવસ શાંત અને આશ્ચર્યજનક કાર્યક્રમ અપાયેલો પણ હવે પોલિસે એક એક આવા શાંત આંદોલનકારીઓના નિવેદનો લેવાનો આરંભ કરતા પોલિસની પૂછપરછ અને કેસ કબાડાથી ગભરાતા સામાન્ય પ્રજાજનો આવા શાંત આંદોલનથી પણ વિમુખ થઇ જતા ગઇ કાલે કોઇ આશ્ચર્યજનક કાર્યક્રમ યોજાયો ન હતો.
શહેરના મેઘાણી સર્કલ વિસ્તારમાં વિધર્મીઓ દ્વારા મિલકત ખરીદીના મામલે ડો.તોગડીયાના તેજાબી ભાષણ બાદ આ વિસ્તારના રહેવાસીઓ દ્વારા થાળીનાદ સહિ‌તના આશ્ચર્યજનક કાર્યક્રમો યોજવાનો આરંભ તો કર્યો પણ ચુંટણીના સમયગાળામાં આ વિસ્તારમાં કોમી એખલાસ જળવાઇ રહે અને વાતાવરણમાં કોઇ તંગદીલી ન પ્રસરે તે માટે બે દિવસથી ચાંપતો પોલિસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આ વિસ્તારમાં મોટા ભાગના રહેવાસીઓ નોકરિયાત કે વેપારીઓ હોય ગભરૂ મનોવૃતિના હોય તે સ્વાભાવિક છે. આથી ગઇ કાલથી કોઇ શાંત કાર્યક્રમ પણ યોજાયો નથી. એક જાણકારી મુજબ ૪૦થી વધુ ઘરોમાં પોલિસે જઇ ગુન્હો આચર્યો હોય એ રીતે નિવેદનો લીધા અને પોલિસના ધાડેધાડા આ વિસ્તારમાં કોઇ કોમી દાવાનળ ફાટી નિકળવાનો હોય તે રીતે ઉમટી પડતા રહેવાસીઓ પૈકી બહેનો દીકરીઓ તો રીતસરના હેબતાઇ ગયા છે.
જો કોઇ અન્યાય થતો હોય તો પ્રજાને શાંત રીતે વિરોધ વ્યક્ત કરી પોતાની મનોવેદનાને વાચા આપી શકે છે. પણ આવા પોલિસના ૨૪ કલાકના પેટ્રોલિંગ અને નાગરિકોની નિવેદનબાજી શરૂ કરાતા આ શાંત આંદોલનનું ગળું જાણે ટુંપી દેવામાં આવ્યું હોય તેવો માહોલ આ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે.