• Gujarati News
  • ૧૯ ઓગસ્ટ પહેલાં ઇમ્પેકટ ફી ફાઇલો સબમિટ કરવા ધમપછાડા

૧૯ ઓગસ્ટ પહેલાં ઇમ્પેકટ ફી ફાઇલો સબમિટ કરવા ધમપછાડા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વરાછામાં થોડા સમયથી ઇમ્પેકટ ફીની ફાઇલ તૈયાર કરવા માટે સોસાયટીઓમાં રીતસરનું જાગરણ થાય છે. ખાસ કરીને શનિવારે રાત્રે ઇમ્પેકટ ફીની ફાઇલ તૈયાર કરવા માટે સોસાયટીમાં એક જગ્યાએ બધા ભેગા થઇને જાગરણ કરે છે. આખી સોસાયટીઓ જાણે કોઇ પ્રસંગ માટે તૈયારી કરતાં હોય તેમ ઇમ્પેકટ ફી માટે તૈયારી કરતા જોવા મળે છે.
વરાછામાં મોટાભાગની સોસાયટીઓમાં ઇમ્પેકટ ફીની તૈયારીઓ ચાલી રહી છે. પાલિકામાં ૨૩ હજારથી વધુ ફાઇલ સબમિટ થઇ ગઇ છે. માત્ર એક સપ્તાહમાં ત્રણ હજાર નવી ફાઇલ જમા થઇ છે. આમ ભાજપના આગેવાનો તેમજ પાલિકાના અધિકારીઓ આ ઝુંબેશને તેજ કરી છે. સાથેસાથે સોસાયટીઓમાં જાતે પણ જાગૃતિ આવતાં સોસાયટીઓમાં આપમેળે ઇમ્પેકટ ફી ભરવા માટે તૈયારી શરૂ થઇ છે. વરાછામાં મોટાભાગની સોસાયટીઓમાં શનિવારે ઇમ્પેકટ ફીની ફાઇલ તૈયાર કરવા માટે મોડી રાત સુધી કાર્યવાહી ચાલે છે. સોમવારે મોટા પ્રમાણમાં ઇમ્પેકટ ફી માટેની ફાઇલ વરાછા ઝોનમાં જમા થશે તેવું લાગે છે. મિની સૌરાષ્ટ્ર ગણાતા વરાછામાં ગેરકાયદે બાંધકામનો પ્રશ્ન સૌથી મોટી સમસ્યા છે. પહેલીવાર જાહેરનામું બહાર પડયું ત્યારે વધુ ફી હોવાથી ખાસ પ્રતિસાદ મળ્યો ન હતો. પરંતુ આ વખતે ફીમાં ઘટાડો કરી ફરી જાહેરનામું બહાર પાડતા વધુ લોકો આગળ આવી રહ્યાં છે.
ભાજપની ઝુંબેશ ૧૫ જુલાઇ બાદ તેજ થશે
વરાછામાં એક તરફ આખી સોસાયટીઓ ઇમ્પેકટ ફી માટે આગળ આવી રહી છે. ત્યારે બીજી તરફ ભાજપના આગેવાનો પણ હવે ૧૫ જુલાઇ બાદ વધુ સક્રિય બને તેવા સંકેત છે. હાલમાં હોડિ·ગ્સ પર ઇમ્પેકટ ફી ભરીને તમારા મકાનના ડિમોલશિનને રોકો તેવી જાહેરાત ભાજપ તરફથી કરવામાં આવી છે. અરજી કરવાની છેલ્લી તારીખ ૧૯ ઓગસ્ટ છે. આમ ૧૫ જુલાઇ બાદ એક માસનો સમય રહી જશે એટલે ભાજપ તરફથી વધુ પ્રયાસો થશે. જોકે વરાછા વિસ્તાર શહેરમાં અન્ય વિસ્તાર કરતા ઇમ્પેકટ ફીના મામલે આગળ હોવાનું હમણાં સુધી તો લાગી રહ્યું છે.
ઇમ્પેકટ ફી માટે હજી ઘરે ઘરે જઇ જાણકારી અપાશે
કરંજ વિસ્તારના ધારાસભ્ય જનકભાઇ બગદાણાવાળાએ કહ્યું હતું કે ઇમ્પેકટ ફી માટે કરંજ વિસ્તારમાં ઘરે ઘરે જઇને જાણકારી અપાશે. જેના કારણે વધુમાં વધુ સરકારની આ યોજનાનો લાભ લઇ શકે. જે રીતે ચૂંટણીના સમયે ઘરે ઘરે જઇને લોકસંપર્ક કર્યો હતો. તે રીતે ઇમ્પેકટ ફી માટે પણ સંપર્ક કરાશે. જેનાથી મોટા પ્રમાણમાં લોકો આ યોજનાનો લાભ લઇ શકશે. આ વખતે કોઇ કસર રાખવામાં નહીં આવે.