• Gujarati News
  • કોલેરાગ્રસ્ત મારુતિનગરમાં ૨૨ કેસ થયાં

કોલેરાગ્રસ્ત મારુતિનગરમાં ૨૨ કેસ થયાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વજિલપોરના મારૂતીનગર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે ત્યારે આ વિસ્તારમાં ઝાડા-ઊલટીના કેસનો આંક ૨૨ ઉપર પહોંચ્યો છે.
વજિલપોરના મારૂતીનગર વિસ્તારમાં ૧૦ દિવસથી ઝાડા-ઊલટીના કેસો છુટાછવાયા બહાર આવી રહ્યા છે. આ અંગે સ્થાનિક રહીશોએ બૂમરાણ મચાવતા નગરપાલિકા તથા આરોગ્ય વિભાગે પગલાં લેવાનું શરૂ પણ કર્યું હતું. આ દરમિયાન ઝાડાના જે બે સેમ્પલો લેવાયા હતા તેમાં એક સેમ્પલમાં કોલેરા પોઝિટીવ આવતા કલેકટરે શનિવારે સાંજે મારૂતીનગર વિસ્તારને કોલેરાગ્રસ્ત તથા વજિલપોર-નવસારીના સમગ્ર વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત જાહેર કરવાની ફરજ પડી હતી.
કોલેરાગ્રસ્ત જાહેર કરાયા બાદ આજે રવિવારે તંત્રની મારૂતીનગર તથા નજીકના વિસ્તારમાં સર્વેની, પાણીના કલોરિનેશનની, દવા વિતરણ, દવાના છંટકાવની કામગીરી જારી રહી હતી. આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ રવિવારે ત્રણ નવા ઝાડાના કેસ આવ્યા હતા. આ નવા કેસ સાથે મારૂતીનગર વિસ્તારમાં ઝાડાના કેસોની કુલ સંખ્યા આજદિન સુધીમાં ૨૨ થઈ છે.
કોલેરાનો એક કેસ પોઝિટીવ આવ્યા બાદ આરોગ્ય વિભાગ વધુ સેમ્પલો કોલેરાની ચકાસણી માટે મોકલવા વિચારણા કરી રહ્યું છે. હાલ તો વજિલપોર તથા નવસારીમાં તકેદારીરૂપે ખાણીપીણીની લારીઓ બંધ કરાવી દેવાઈ છે.
ડોલીતળાવ વિસ્તાર ચિંતાનો વિષય
વજિલપોરના મારૂતિનગર વિસ્તારમાં તો રોગચાળો ફેલાયો છે પરંતુ શહેરનો ડોલીતળાવ વિસ્તાર પણ ચિંતાનો વિષય બન્યો છે. ડોલીતળાવના કાંઠે વજિલપોર શહેરનો ઘનકચરો ઠાલવવામાં આવે છે. આ સ્થળ કચરો ઠાલવવા માટે યોગ્ય ન હોવા છતાં બીજું સ્થળ ન મળતા પાલિકાએ નાછુટકે ડોલીતળાવ નજીક જ કચરો ઠાલવવો પડે છે. ડોલીતળાવ નજીક પાણીનો બોર છે ત્યારે આ બોર બગડે નહીં તે પણ ચિંતાનો વિષય બન્યો છે. હાલ તો પાલિકા કચરાનું નવું સ્થળ શોધવા રીતસર હવાતીયા મારી રહી છે.