• Gujarati News
  • ચાર વ્યાજખોરના ત્રાસથી ઇમિટેશનના ધંધાર્થીનો આપઘાત

ચાર વ્યાજખોરના ત્રાસથી ઇમિટેશનના ધંધાર્થીનો આપઘાત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટમાં ઊંચાદરે નાણા ધીરી નાણા વસૂલવા માટે પઠાણી ઉઘરાણી કરતા માથાભારે શખ્સોના ત્રાસથી અગાઉ અનેક પરિવારના મોભીઓએ જિંદગીનો અંત આણવો પડ્યો છે. આવો જ વધુ એક બનાવ શહેરની ભાગોળે આવેલા ભિચરીમાં બન્યો હતો. વ્યાજખોર ચાર ભરવાડ શખ્સના ત્રાસથી કંટાળી ભિચરીના પટેલ યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઇ હતી.
શહેરની ભાગોળે આવેલા ભિચરી ગામમાં રહેતા પટેલ યુવાન જીજ્ઞેશ કાનજીભાઇ ખુંટે (ઉ.વ.૨૦) શનિવારે સાંજે પોતાના ઘર નજીક ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જાણ થતા જ પટેલ યુવાનને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેનુ મોત નીપજયુ હતું. યુવાનના આપઘાતને પગલે કુવાડવા પોલીસ દોડી ગઇ હતી. અને તપાસ કરતા જીજ્ઞેશે લખેલી સુસાઇડ નોટ મળી આવી હતી. જે પોલીસે કબજે કરી હતી.
જીજ્ઞેશે સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, પોતે જીતુ ભરવાડ, કવા ભરવાડ, છગન કચરા બાંભવા અને મેરૂ મછા ભરવાડ પાસેથી તોતિંગ વ્યાજે રૂ.૩.૪૦ લાખ લીધા હતા. માથાભારે ભરવાડ શખ્સોએ નાણા ધીયૉ બાદ ડબલથી વધુ રકમની ઉઘરાણી શરૂ કરી હતી. અને નાણા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી દેતા હતા. વ્યાજખોરોની ધમકીથી ગભરાઇ ગયેલા પટેલ યુવાને વખ ઘોળી
લીધુ હતું.
પોલીસ સુત્રો એ જણાવ્યું હતું કે, બે ભાઇ અને એક બહેનમાં નાનો જીજ્ઞેશ ઇમિટેશનનું કામ કરતો હતો. પોલીસે મૃતકના પિતા કાનજીભાઇ હરજીભાઇ ખુંટની ફરિયાદ પરથી ચારેય ભરવાડ શખ્સો સામે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા.