તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • એક કરોડનો દારૂ પકડાયો એ પહેલા ફિરોઝે ૩ કરોડનો વેચી નાખ્યાનો ધડાકો

એક કરોડનો દારૂ પકડાયો એ પહેલા ફિરોઝે ૩ કરોડનો વેચી નાખ્યાનો ધડાકો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટના કાથરોટા ગામની સીમમાં તાલુકા પંચાયતના ભાજપના સભ્ય વલ્લભ મકવાણા ઉફે દાઢીની વાડીના ગોડાઉનમાંથી જિલ્લાના પ્રોબેશનર આઇપીએસ ચૈતન્ય મંડલિકે એક કરોડનો દારૂનો વક્રિમી જથ્થો કબજે કરીને શહેર પોલીસનું નાક કાપી નાખ્યું હતું. શહેર પોલીસની રહેમ નજર હેઠળ રોજ લાખો રૂપિયાનો દારૂ બેરોકટોક સપ્લાય કરનાર ફિરોઝે આ જથ્થો પકડાયો એ પહેલાં દોઢ માસમાં ત્રણ કરોડનો દારૂ વેચી નાખ્યાની ચોંકાવનારી વગિત પોલીસ તપાસમાં બહાર આવી છે.
તપાસનીસ આઇપીએસ મંડલિકે જણાવ્યું હતું કે સ્થળ ઉપરથી પકડાયેલા સાત આરોપીને અદાલતે ૬ દિવસના પોલીસ રિમાન્ડ ઉપર સોંપ્યા છે. ગોડાઉનમાંથી દારૂ-બિયરની ૨૨૩૯ પેટી સાથે એક સ્ફોટક ડાયરી મળી હતી. જેમાં બુટલેગરોના ટૂંકા નામ અને કોને કયારે કેટલો માલ સપ્લાય કરવામાં આવ્યો હતો તેની નોંધ મળી છે. રિમાન્ડ ઉપર સોંપાયેલા આરોપીઓના કહેવા મુજબ એક કન્ટેઇનરમાં એક હજાર પેટી દારૂ આવે છે. અને ફિરોઝે છેલ્લા દોઢ માસમાં પાંચ કન્ટેઇનર માલ મગાવ્યો હોવાનું આરોપી ખુલાસો કરી રહ્યા છે. ગોડાઉનમાંથી ૨૨૩૯ પેટી એટલે કે સવા બે કન્ટેઇનર માલ મળી આવ્યો હતો. આમ ફિરોઝે દોઢ માસમાં ત્રણ કરોડનો માલ વેચી નાખ્યો હોવાનું તારણ નીકળે છે. ડાયરીમાં જેના નામ છે એ બુટલેગરની ઓળખ મેળવવા તેમજ ફરાર બુટલેગર ફિરોઝ અને વાડી માલિક ભાજપ અગ્રણી વલ્લભ દાઢીની શોધખોળ ચાલુ છે. એ પકડાયા બાદ વધુ ચોંકાવનારી વિગતો બહાર આવવાની તેમણે સંભાવના વ્યક્ત કરી હતી.એક કરોડના દારૂ પ્રકરણમાં ફરાર બુટલેગર ફિરોઝ ઉફેઁ બેબી હાસમ મેણુ અને વાડી માલિક ભાજપ અગ્રણી વલ્લભ મકવાણાને ગોઠવણથી રજૂ કરવા માટે અમુક પોલીસકર્મીઓ અને રાજકીય માથાંઓ દ્વારા તખ્તો ગોઠવાઇ રહ્યો છે. જોકે તપાસ પ્રોબેશનર આઇપીએએસ મંડલિક પાસે છે અને રેન્જ આઇજી પ્રવીણકુમાર સિન્હાની સીધી દેખરેખ હેઠળ તપાસ થઇ રહી હોવાથી ચોકઠા ગોઠવવામાં અંતરાય ઊભા થયા છે. આ સંજોગોમાં ફિરોઝને ૨પ-પ૦ પેટી દારૂ સાથે શહેર એ અન્ય જિલ્લામાં પકડાવી દેવાનો રસ્તો પણ વિચારવામાં આવ્યો હોવાનું સૂત્રો કહી રહ્યા છે.
ફરાર ફિરોઝે નવી ‘લાઇન’ શરૂ કરી દીધી
એક કરોડનો દારૂ પકડાઇ જતા ફરાર ફિરોઝે બેવડા ઝનૂનથી કામ શરૂ કરી દીધું છે. અને માલ લેનારા પેટા બુટલેગરને આ અંગે જાણ કરી દેવામાં આવી છે. ફિરોઝ અગાઉ ખેરવા નજીક પાણીના સંપ પાછળની વાડીમાં કુવાડવા રોડ ઉપર રોડ ટચ ફાર્મ હાઉસ, બેડી-કણકોટ વચ્ચેની વાડી તેમજ ખોખળદડ નજીકની વાડીમાં માલ ઉતારતો હતો. જોકે પકડાઇ ગયેલા સાગરીતોએ આ જગ્યાની માહિતી આપી દીધી હોવાની શંકાથી નવી જગ્યા ભાડે રાખી લીધાનું ચર્ચાય છે.
ભાજપ અગ્રણી જુગારધામ માટે કલાકનું એક હજાર ભાડું લેતો
જેની વાડીમાંથી દારૂ પકડાયો એ તાલુકા પંચાયતના ભાજપના સભ્ય વલ્લભ દાઢીની બીજી વાડીમાંથી આગલી રાતે જ ઘોડીપાસાની કલબ પકડાઇ હતી એ રેડ પણ આઇપીએસ મંડલિકની માહિતી ઉપરથી તાલુકા પોલીસે પાડી હતી. આ કેસમાં ભાજપ અગ્રણી વલ્લભ દાઢી સરધાર આઉટપોસ્ટમાં ફોજદાર ગામેતી સમક્ષ ગુપચુપ રજૂ થઇ જામીન ઉપર છુટી ગયો હતો.તેણે પોલીસને આપેલા બયાનમાં તે વાડીમાં જુગાર રમાડવા માટે કલાક દીઠ એક હજાર રૂપિયા ભાડું વસૂલતો હોવાનું જણાવ્યું હતું.