તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • તળાવના ખોદકામ દરમિયાન ગેરકાયદે બ્લાસ્ટિંગનો આક્ષેપ

તળાવના ખોદકામ દરમિયાન ગેરકાયદે બ્લાસ્ટિંગનો આક્ષેપ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાં લાખોટા તળાવના ખોદકામ દરમિયાન સંબંધિત વિભાગોની મંજૂરી વગર ગેરકાયદે બ્લાસ્ટિંગ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે મનપાના ઇજનેર, કોન્ટ્રાકટર સામે ફોજદારી ફરિયાદ દાખલ કરવા જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી છે.
રજૂઆતમાં હર્ષદ પાબારીએ જણાવ્યું છે કે, મનપાએ સરકારી ગ્રાન્ટ દ્વારા તળાવને ઉંડુ ઉતારવાની કામગીરી હાથ ધરી હતી. જેની જવાબદારી સીટી ઇજનેર જોશીને સોંપવામાં આવી હતી. લાખોટા તળાવને સરકાર દ્વારા રક્ષિત ઇમારત તરીકે જાહેર કરવામાં આવી છે. ઉપરાંત તળાવના ૧૦૦ મીટરના વિસ્તારને પ્રતબિંધિત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આથી તળાવ માટે તેની આજુબાજુ કોઇ મોટી પાડતોડ કરવી હોય તો રાજ્ય અને કેન્દ્ર સરકારના પુરાતત્વ વિભાગ પાસેથી નિયમ મુજબ મંજૂરી લેવી પડે. તળાવના ખોદકામ દરમિયાન અમુક સ્થળે બ્લાસ્ટિંગ કરવાની જરૂરિયાત હોવાનો પત્ર કોન્ટ્રાકટરે મનપાના સીટી ઇજનેરને લખ્યો હતો. આથી ઇજનેરે કલેકટર પાસે બ્લાસ્ટિંગની મંજૂરી માંગી હતી. જેના જવાબમાં અધિક કલેકટરે જણાવ્યું હતું કે, ફકત ખેતીના હેતુ માટે ખેડૂતોને જમીન સમથળ કરવા કે કૂવા ઉંડા ઉતારવા બ્લાસ્ટની મંજૂરી આપવામાં આવે છે. બિનખેડૂત વ્યકિતએ ખોદકામ માટે સંબંધિત વિભાગો પાસેથી નિયમોનુસાર મંજૂરી લેવાની રહે છે. આમ, કામ કરનાર કોન્ટ્રાકટરે જરૂરી મંજૂરી મેળવ્યા વગર લાખોટ તળાવમાં ગેરકાયદે બ્લાસ્ટિંગ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ રજૂઆતમાં કરવામાં આવ્યો છે. સાથે-સાથે અંગે મનપાના ઇજનેર અને કોન્ટ્રાકટર સામે નિયમોના ઉલ્લંઘન બદલ ફોજદારી ફરિયાદ દાખલ કરવા માંગણી કરી છે.