તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • જેતપુરના દેવ્યાની ડાઇંગ હત્યા કેસમાં ત્રણેય આરોપીઓ નિર્દોષ

જેતપુરના દેવ્યાની ડાઇંગ હત્યા કેસમાં ત્રણેય આરોપીઓ નિર્દોષ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંધારી આલમના માફિયાઓને સંડોવતાં કેસમાં રાજકોટ લોકલ ક્રાઇમ બ્રાન્ચે કાચું કાપીને ત્રણ નિર્દોષને ફિટ કરી દીધાનું પુરવાર થયું

જેતપુરના દેવ્યાની ડાઇંગના મેનેજરની હત્યાના કેસમાં સેશન્સ કોર્ટે ત્રણ આરોપીઓને નિર્દોષ ઠેરાવી છોડી મૂકવાનો હુકમ કર્યો છે. સાડા બાર વર્ષ પહેલાં બનેલી આ ઘટનામાં અંડરવર્લ્ડના માફિયાઓની પણ સંડોવણી ખુલ્લી હતી. જો કે રાજકોટ લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ ઉતાવળે કરેલી તપાસમાં ત્રણ નિર્દોષ વ્યક્તિઓને ફિટ કરી દેવામાં આવ્યા હતા. જે સાડા બાર વર્ષ પછી કોર્ટમાં સાબિત થઇ ગયું છે. આ કેસમાં અનિષ ઇબ્રાહીમના ત્રણ શાર્પ શૂટરોના નામ પછીથી ખુલ્યા હતા. જેઓની સામે કેસ ચાલી રહ્યો છે. આ અંગે આગામી દિવસોમાં કોર્ટ ચુકાદો જાહેર કરશે.
આજથી સાડા બાર વર્ષ પહેલાં ૧૪/૧૨/૨૦૦૦ના રોજ જેતપુરમાં ધોરાજી રોડ પર આવેલા દેવ્યાની ડાઇંગના મેનેજર અરવિંદભાઇ ચીમનભાઇ રાખોલિયાની ગોળીઓ ધરબી દઇને ત્રણ શખ્સો દ્વારા નિર્મમ હત્યા કરી નાખવામાં આવી હતી. આ ચકચારી કેસમાં દેવ્યાની ડાઇંગના માલિક મોહનભાઇ રવજીભાઇ ચોવટિયાએ શહેરના ત્રણ પ્રતિષ્ઠિત નાગરિકો ભરતભાઇ મનસુખભાઇ બુદ્ધદેવ, રાજેશભાઇ નાગજીભાઇ સાણંદિયા અને બળદેવભાઇ ઘુસાભાઇ પંચાસરા (પૂર્વ પાલિકા સદસ્ય) સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આ ત્રણેયની ધરપકડ કરી હતી. બાદમાં આ ત્રણેય આરોપીઓએ સુપ્રીમ કોર્ટ સુધી લડત આપીને જામીન મેળવ્યા હતા. સાડા બાર વર્ષ બાદ જેતપુરની સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો હતો અને ત્રણેયને બિનતહોમત નિર્દોષ હોવાનું જણાવી છોડી મૂકવા હુકમ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે એક દાયકા પહેલા આ ઘટના બની ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે ચકચાર જાગી ગઇ હતી. દિવસો સુધી પ્રસાર માધ્યમોએ આ ઘટના અંગે અહેવાલો આપ્યા હતા. અંતે તેનો આજે ચુકાદો આવ્યો છે.એલસીબીને તપાસ સોંપાઇ
જેતપુરના તત્કાલીન પોલીસ ઇન્સ્પેકટર જી. એલ. ગોસ્વામીએ ફરિયાદમાં જેઓના નામ અપાયા હતા તેમની ધરપકડ કરી હતી પરંતુ તપાસ આગળ ન ધપતા જિલ્લા પોલીસવડાએ રાજકોટ લોકલ ક્રાઇમ બ્રાન્ચને તપાસનો હવાલો સોંપાયો હતો. પોલીસ ઇન્સ્પેકટર એસ. જી. સોઢાતરે તપાસ આગળ ધપાવી હતી અને એવી વિગતો જાહેર કરી હતી કે દેવ્યાની ડાઇંગના માલિક મોહનભાઇ પાસે ભરતભાઇ બુદ્ધદેવ ૧૭ કરોડ રૂપિયા માગતા હોવાથી અને આ મામલે ઝઘડો થતાં ત્રણેય વ્યક્તિઓએ મારુતિ ફ્રન્ટી કારમાં આવીને મોહનભાઇને બદલે ભૂલથી મેનેજર અરવિંદભાઇની હત્યા કરી નાખી હતી.સીઆઇડી ક્રાઇમની તપાસમાં અલગ જ વિગતો બહાર આવી
રાજકોટ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ત્રણ આરોપીઓની ધરપકડ કર્યા બાદ અનેક શંકાસ્પદ મુદ્દાઓ બહાર આવ્યા હતા. રિ-ઇન્વેસ્ટિગેટિંગની પણ માગ કરવામાં આવી હતી. લાઇડિટેકટર ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા. પરંતુ હત્યા કોણે કરી અને તેની પાછળનું કારણ શું તે અંગેની સ્પષ્ટ વિગતો પોલીસ જાહેર કરી શકી ન હતી. આથી તપાસનો હવાલો સીઆઇડી (ક્રાઇમ)ને અપાયો હતો. આથી સીઆઇડીના પોલીસ ઇન્સ્પેકટર કે. પી. ગાજીપરાએ તપાસનો દોર સંભાળ્યો હતો.અનિષ અને ધર્મેન્દ્ર સામે રેડ કોર્નર નોટિસ પણ કાઢવામાં આવી હતી
દેવ્યાની ડાઇંગના મેનેજરની હત્યામાં અંડરવર્લ્ડ ડોન અનિષ ઇબ્રાહીમ અને મુંબઇનો ઉદ્યોગપતિ ધર્મેન્દ્ર સજનાણી પણ સંડોવાયો હતો. જો કે આ બન્ને દેશ છોડીને ભાગી ગયા હોવાથી તેઓની સામે રેડ કોર્નર નોટિસ પણ પાઠવવામાં આવી હતી.અંતે સત્ય બહાર આવ્યું
સીઆઇડી (ક્રાઇમ)ના પોલીસ ઇન્સ્પેકટર ગાજીપરા તપાસ ચલાવી રહ્યા હતા ત્યારે દિલ્હી પોલીસે હરશિ ઉફેઁ હરેશ રામાનુજ (રહે. રાનીપુર - આઝમગઢ)ની હથિયારો સાથે ધરપકડ કરી હતી. આ શખ્સે દિલ્હી પોલીસ સમક્ષ એવી કબૂલાત આપી હતી કે, પોતાના સાગરીત અરવિંદ શ્રીરામચંદ્ર અને આબિદ અલિની સાથે મળીને જેતપુરમાં આવેલા દેવ્યાની ડાઇંગના મેનેજરની હત્યા કરી હતી. આ માટે ધર્મેન્દ્ર સજનાણી નામના ઉદ્યોગપતિએ અંડરવર્લ્ડ ડોન અનિષ ઇબ્રાહીમને દેવ્યાની ડાઇંગના માલિક મોહનભાઇ પટેલની હત્યા કરવા માટે સોપારી આપી હતી. આથી પોતે અને બે સાગરીતો સાથે જેતપુર જઇને મેનેજરને માલિક સમજીને તેમને પતાવી દીધા હતા. આ વાત સ્પષ્ટ થયા બાદ દિલ્હી પોલીસે રાજકોટ સીઆઇડી ક્રાઇમનો સંપર્ક કરીને હરશિને સોંપી દીધો હતો. ત્યારબાદ અરવિંદ શ્રીરામચંદ્રની પણ ધરપકડ કરવામાં આવી હતી. આમ સત્યવિગતો બહાર આવી ગઇ હતી કે દેવ્યાની ડાઇંગના મેનેજરની હત્યા કોણે, શા માટે અને કયા કારણોસર કરી હતી.