• Gujarati News
  • હોસ્પિટલનાં એકસ રે મશીનો ચાલુ નહીં થાય તો આંદોલન

હોસ્પિટલનાં એકસ-રે મશીનો ચાલુ નહીં થાય તો આંદોલન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરની જી.જી. હોસ્પિટલનાં બંધ પડેલાં એકસ-રે મશીનો તુરંત ચાલુ કરવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી જામનગર ગ્રામ્ય વિસ્તારનાં ધારાસભ્યએ આપી છે.
જી.જી. હોસ્પિટલમાં બંધ એકસ-રે અને અન્ય સુવિધાઓ મુદ્દે ધારાસભ્ય રાઘવજી પટેલે જણાવ્યું છેકે, રાજ્યની બીજા નંબરની સૌથી મોટી હોસ્પિટલમાં તમામ એકસ-રે મશીનો બંધ રહે તે જિલ્લાના લોકોની કમનશીબી અને રાજ્ય સરકારની ઉપેક્ષા છે. અહીં સાંજે પાંચ વાગ્યા બાદ પોસ્ટમોર્ટમ સુવિધાનો પણ અભાવ છે, જેને કારણે ગામડાઓનાં દર્દીઓને ભારે હાડમારી ભોગવવી પડે છે. ગરીબ દર્દીઓને વિનામુલ્યે સારવાર આપવાને બદલે બહારથી દવાઓ લખી આપવામાં આવે છે. લાંબા સમયથી હોસ્પિટલમાં કોઇ ન્યુરો સર્જન જ નથી ત્યારે સૌરાષ્ટ્રની આ સૌથી મોટી હોસ્પિટલ સાવ મરણ પથારીએ પડી છે. હોસ્પિટલમાં સાંજે કોઇ દર્દીનું મૃત્યુ નપિજે તો પોસ્ટમોર્ટમનાં અભાવે બીજા દિવસે સવારે ૧૦ વાગ્યા બાદ દર્દીના સબંધીઓને તેમના મૃતદેહનો કબજો મળે છે. હોસ્પિટલનાં ગાયનેક વિભાગમાં તો સાવ લોલંલોલ ચાલતુ હોવાની ફરિયાદો ઉઠી છે. તેમણે સરકારી દવાઓ બારોબાર પગ કરી જતી હોવાનો આક્ષેપ કરી હોસ્પિટલની સમસ્યાઓનું તાકીદે નિરાકરણ લાવવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી આપી છે.