તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ઉત્તરાખંડના અનાથ બાળકોને સ્વામી મુકતાનંદજી દત્તક લેશે

ઉત્તરાખંડના અનાથ બાળકોને સ્વામી મુકતાનંદજી દત્તક લેશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉત્તરાખંડમાં જળપ્રલયે વેરેલા વિનાશ બાદ બચાવ અને રાહત કામગિરી હજુયે ચાલુ જ છે. કાટમાળ તેમજ રેતી હેઠળ હજારો લોકો મરણને શરણ થયાની આશંકા સેવાઇ રહી છે. સ્થાનિક લોકોનાં મોટાપાયે મોત થયાની આશંકા છે. જેમનો કોઇ પત્તો જ નથી. આવા હજારો લોકોનાં બાળકો અનાથ બન્યા છે. ચાંપરડાનાં મુકતાનંદજી આવાં બાળકોને દત્તક લેનાર છે. સોરઠી સેવાની સુવાસ મ્હેંકાવવા કાયમ તત્પર તેમની સંસ્થાએ આ બીડું ઝડપ્યું છે.
આ અંગેની વીગતો આપતાં મુકતાનંદજીએ જણાવ્યું હતું કે, ઉત્તરાખંડનાં સ્થાનિક લોકો મોટાભાગે ખચ્ચર પર ફેરી કરવાનો વ્યવસાય કરતા હોય છે. તેઓ પૈકી ઘણાંખરાનાં મોત થયા છે. તેઓનાં બાળકો હાલ સાવ નિરાધાર સ્થિતીમાં છે. અત્યારે તો ત્યાં જઇ શકાય એવી સ્થિતી નથી. પરંતુ બે-ત્રણ માસ બાદ રસ્તો ખુલશે. ત્યારે અમારા સેવકો ત્યાં જશે. અને આવા નિરાધાર બનેલા બાળકોનો સર્વે કરશે. અને બાદમાં તેઓને અમારા હરિદ્વાર ખાતેનાં આશ્રમ ખાતે અલગ વ્યવસ્થા ઉભી કરાશે. આવા બાળકોનાં રહેવા-જમવા-કપડાંથી માંડી શિક્ષણ અને તે પગભર ન થાય ત્યાં સુધીનો તમામ ખર્ચ અમારી સંસ્થા બ્રહ્નાનંદ ધામ, ચાંપરડા ઉપાડશે. આ બાળકો ઉત્તરાખંડનાં હોવાથી તેઓ હિન્દીભાષાજ બોલી શકે. જો અહીં લાવવામાં આવે તો તેઓને ભણવામાં ભાષાકિય તકલીફ પડે. વળી સામાજીક માહોલ પણ અહીં ત્યાંથી જુદો પડે. આથી તેઓને ત્યાં હરિદ્વારમાંજ રાખી પુખ્ત વયનાં થાય અને જાતે પોતાની જવાબદારી ઉપાડતા થાય ત્યાં સુધી રાખવામાં આવશે. એમ પણ મુકતાનંદજીએ જણાવ્યું હતું.
કચ્છનાં બાળકોને ભણાવી પગભર બનાવ્યા
વર્ષ ૨૦૦૧માં કચ્છમાં આવેલા ભીષણ ભૂકંપ બાદ ત્યાં અનાથ બનેલા આશરે ૨૦૦ થી વધુ બાળકોને પણ મુકતાનંદજીએ આધોઇ તેમજ ચાંપરડા ખાતેનાં આશ્રમમાં ભણાવી પગભર બનાવ્યા. હાલ તેઓ પૈકીનાં મોટાભાગનાં બાળકો પોતાની રીતનાં વ્યવસાયમાં લાગી ચૂકયા છે.
બે-ત્રણ પરિવારોને આપ્યો આશરો
હાલ હરિદ્વાર ખાતેનાં આશ્રમમાં બેઘર બનેલા બે થી ત્રણ પરિવારોને આશરો આપવામાં આવ્યો હોવાનું પણ મુકતાનંદજીએ જણાવ્યું હતું.