• Gujarati News
  • ચૂંટણી અંગે ૧૫ મી જુલાઈએ હાઈકોર્ટમાં સુનાવણી થશે

ચૂંટણી અંગે ૧૫ મી જુલાઈએ હાઈકોર્ટમાં સુનાવણી થશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ ગઈ હતી અને ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ હતી એ દરમિયાન હાઈકોર્ટે તા. ૧ લી જુલાઈ સુધી કામચલાઉ મનાઈ હૂકમ આપી દીધો હતો. આજે તેમની સુનાવણી હતી પરંતુ ફરી તા. ૧૫ મી જુલાઈએ આ અંગે હાઈકોર્ટમાં સુનાવણી થશે ત્યાં સુધી ચૂંટણીની તમામ પ્રક્રિયાઓ સ્થગિત રહેશે.
પોરબંદર નગરપાલિકાના બજેટને લઈને કોંગ્રેસ અને ભાજપ વચ્ચે વિવાદ થયો હતો. ભાજપે બહુમતીના જોરે બજેટ મંજુર થવા દીધું ન હતું અને અંતે શહેરી વિકાસ વિભાગે નગરપાલિકાને સુપરસીડ કરી નાખી હતી અને ચૂંટણી પંચે ૭ મી જુલાઈએ નગરપાલિકાની ચૂંટણી જાહેર કરી દીધી હતી. તા. ૧૬ જુનથી ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ હતી. પરંતુ સુપરસીડનો મામલો કોંગ્રેસ હાઈકોર્ટમાં લઈ ગઈ હોવાથી હાઈકોર્ટે તા. ૧ લી જુલાઈ સુધી કામચલાઉ મનાઈ હુકમ આપી દેતા ચૂંટણી સ્થગિત થઈ ગઈ હતી.
આજરોજ આ કેસની સુનાવણી હોય પરંતુ તેમાં મુદ્દત પડી ગઈ હતી અને તા. ૧૫ મી જુલાઈએ બન્ને પક્ષોની દલીલ સાંભળવામાં આવશે અને ત્યાં સુધી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરી શકાશે નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે, નગરપાલિકાને સુપરસીડ કરી નાખતા પાલિકાના પૂર્વ પ્રમુખ અને સુધરાઈ સભ્ય લાલજીભાઈ પાંજરીએ હાઈકોર્ટમાં એવો દાવો દાખલ કર્યો હતો કે, બજેટ મંજુર કરવા અંગે રાજ્યના શહેરી વિકાસ વિભાગના સચીવે કાયદા મુજબ કોંગ્રેસના સુધરાઈ સભ્યને સાંભળ્યા વિના એકતરફી નગરપાલિકાને સુપરસીડ કરી નાખવાનો નિર્ણય કર્યો છે. આ મુદ્દે હવે તા. ૧૫ મી જુલાઈએ હાઈકોર્ટમાં સુનાવણી થશે.