• Gujarati News
  • સફાઇ ઝુંબેશમાં બેદરકાર એસ આઇને નોટિસ: કામદાર સસ્પેન્ડ

સફાઇ ઝુંબેશમાં બેદરકાર એસ આઇને નોટિસ: કામદાર સસ્પેન્ડ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ ગાંધીનગર
મહાપાલિકા વિસ્તારમાં ચોમાસા દરમિયાન અને તહેવારોના દિવસો દરમિયાન ફેલાયેલી વ્યાપક ગંદકી ઉલેચવાનું મંગળવારથી શરૂ કરવામાં આવ્યું છે અને કામની શરૂઆતે જ એક સેનેટરી ઇન્સપેક્ટરને કામમાં બેદરકારી બદલ નોટિસ ફટકારવામાં આવી છે. બીજી બાજુ લાંબા સમયથી ગેર હાજર રહેતા એક સફાઇ કામદારને સ્થાયી સમિતિના ચેરમેને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો. જ્યારે કામ પર નહી આવેલા ૯ સફાઇ કામદારોની ગેર હાજરી પુરી દેવામાં આવી હતી.
ચોમાસા પહેલા શરૂ કરાયેલા અને ભારે વરસાદના પગલે અધૂરા છોડી દેવાયેલા સેક્ટર સફાઇ અભિયાનની નવેસરથી શરૂઆત કરવાનો નિર્ણય લેવાયાનું કહેતાં સ્થાયી સમિતિના ચેરમેન આશિષભાઇ દવેએ જણાવ્યું કે સેક્ટર-૭થી ઝુંબેશના શ્રીગણેશ કરાયા છે.
વો‌ર્ડ‌ નંબર-૯માં આવતા આ વિસ્તારમાં સફાઇ કામગીરીની શરૂઆત કરતી વખતે ચેરમેન ઉપરાંત નેતા મનુભાઇ પટેલ, નગર સેવક કાર્તિ‌કભાઇ પટેલ, નામદેવ વ‌ર્સાત, પરાગીબેન પંડયા,પ્રવિણાબેન દરજી, હંસાબેન મોદી, વર્ષાબેન અને જાગૃતિબેન પુરોહિ‌ત સહિ‌તના મહાનુભાવો જોડાયા હતાં.
સફાઇ અભિયાનના પ્રથમ દિવસે કામદારોની ૧૪ ટુકડીને કામે લગાડવાની સાથે જેસીબી, લોડર અને ટ્રેકટર ટ્રોલીઓ ઉપયોગમાં લેવાયા હતા.
આ દરમિયાન સેક્ટર-૭, ઘ-રોડ, ચ-રોડ સહિ‌તના વિસ્તારોમાંથી મોટાપાયે ગંદકી ઉઠાવવામાં આવી હતી.