• Gujarati News
  • તસ્કરીના વધતા બનાવથી વતનમાં હોળી કરવા જતા વેપારીઓ ચિંતિત

તસ્કરીના વધતા બનાવથી વતનમાં હોળી કરવા જતા વેપારીઓ ચિંતિત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર શહેરમાં તસ્કરોને મોકળુ મેદાન હોય તેમ તસ્કરો ગમે ત્યારે ગમે તે વિસ્તારમાં ખાબકીને લોકોની સંપતી ઉઠાવીને જતા રહે છે. ત્યારે સેકટર ૨૧માં તસ્કરીની વધુ એક ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતોનુંસાર કુડાસણ ખાતે રહેતા પંકજભાઇ બિહારીભાઇ શાહ શહેરનાં સેકટર ૨૧માં આવેલી ઓરીએન્ટલ ઇન્સ્યોરન્સ નામની બિલ્ડીંગમાં બિલ્ડીંગ મટીરીયલની દુકાન ધરાવે છે. પંકજભાઇ બુધવારની સાંજે પોતાની દુકાન બંધ કરીને ગયા બાદ રાત્રીનાં સમયે તસ્કરોએ તેમની દુકાનને નિશાન બનાવી હતી.
જેમાં દુકાનનાં દરવાજાનું તાળુ તોડી દુકાનમાં ઘુસેલા તસ્કરો ટેબલનાં ખાનામાં રાખવામાં આવેલા રૂ. પ૦,૦૦૦ની રોકડ રકમ ઉઠાવી ગયા હતા. ગુરૂવારે સવારે આ ઘટનાની જાણ પંકજભાઇને થતા તેમણે સેકટર ૨૧ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરીયાદ નોંધાવી હતી. આ ફરીયાદનાં આધારે પીએસઆઇ વી પી સોલંકીએ આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
શહેરમાં એક તરફ હોળી-ધુળેટીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે શહેરમાં બનેલી વધુ એક તસ્કરીની ઘટના પોલીસ તથા નાગરીકો માટે લાલ બતી સમાન છે.
ગાંધીનગરમાં મોટા ભાગનાં નાગરીકો નોકરીયાત હોવાનાં પગલે તહેવારોનાં દિવસોમાં તહેવાર કરવા વતન જતા હોય છે. જયારે બીજી તરફ તસ્કરીનો ત્રાસ વધી ગયો છે. ત્યારે હોળીનાં તહેવારોમાં મકાન બંધ કરી તહેવારની ઉજવણી માટે વતનમાં જતા લોકોમાં તસ્કરીની આ ઘટનાનાં પગલે ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે.