• Gujarati News
  • ભાજપ કોંગ્રેસ આપ: એકના ભોગે બીજાને લાભ!

ભાજપ-કોંગ્રેસ-આપ: એકના ભોગે બીજાને લાભ!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માચાર આંખથી વંચાય, પણ ચૂંટણી સમાચાર વાંચવા માટે એકલી આંખો પૂરતી નથી. એ માટે એક હાથ પણ જોઈએ, માથું ખંજવાળવા. ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ આમનેસામને છે એ તો સમજાય, પરંતુ જરાક ઊંડા ઊતરતાં માથું ખંજવાળવું પડે. એમાં પણ બી ટીમ’ વિશેની વાતો વાંચીને તો વાળ ખેંચવાનું મન થઈ શકે. બી ટીમ એક સાર્વત્રિક ઘટના છે. એ ઘરમાં પણ હોઈ શકે. મમ્મીને એવું લાગે કે દીકરી પપ્પાની બી ટીમ છે. પપ્પાને એવું લાગે કે દીકરો મમ્મીની બી ટીમ છે. આપણે વાત કરી રહ્યા છીએ ચૂંટણીની. ચૂંટણીમાં બી ટીમો નાની પણ રાયના દાણા જેવી ભૂમિકા ભજવતી હોય છે. ગુજરાત વિધાનસભાની છેલ્લી ચૂંટણી વખતે કેશુભાઈએ ગુજરાત પરિવર્તન પાર્ટી ((જીપીપી)) સ્થાપેલી. એ જીપીપી કોની બી ટીમ હતી, કોંગ્રેસની કે ભાજપની એ વિશે ચર્ચાઓ ચાલેલી.
ભાજપવિરોધી મત કોંગ્રેસ અને જીપીપીમાં વહેંચાઈ જવાથી લાભ ભાજપને થશે એવી એક થિયરી હતી તો બીજી થિયરી એવી હતી કે જીપીપી છેવટે ભાજપના જ લોકોનું એક જૂથ હોવાથી કોંગ્રેસવિરોધી મત વહેંચાઈ જવાથી લાભ કોંગ્રેસને થશે. છેવટે જીત ભાજપની થઈ ત્યારે એવી વાત ચગી કે જીપીપી અસલમાં આરએસએસની જ ગેમ હતી. ચૂંટણી બાદ જીપીપીનું વિસર્જન થઈ ગયું અને એના અનેક માણસો ફરી ભાજપમાં જોડાઈ ગયા ત્યારે જીપીપી ભાજપનો જ ભાગ હોવાની થિયરીને બળ મળ્યું. હાલની લોકસભા ચૂંટણીમાં પણ કેટલીક બી ટીમ ચર્ચામાં છે. જેમ કે, રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના ((એમએનએસ)). રાજ ઠાકરે શિવસેનાને હરાવવા માગે છે, પરંતુ શિવસેનાના સાથી પક્ષ ભાજપના નેતા મોદીને તેઓ વડા પ્રધાનની ગાદી પર બેસાડવા માગે છે. થોડા સમય પહેલાં રાજ ઠાકરે ભાજપના ગડકરી તથા મુંડેને મળ્યા ત્યારે ચર્ચા ચાલી: એમએનએસ ભાજપની બી ટીમ છે. બીજી તરફ એવી ગુસપુસ તો પહેલેથી ચાલતી રહી છે કે એમએનએસ શરદ પવારની બી ટીમ છે. ઉદ્ધવ અને રાજ ઠાકરે વચ્ચેના પિતરાઈઓવાળા મહાભારતમાં વચ્ચે મોદી અને પવારની રામાયણ ઉમેરાવાથી પ્રજા વધુ ગૂંચવાઈ.
કેજરીવાલ તો બી ટીમના મામલે સૌથી વધુ ગૂંચવે છે. ભાજપ કહે છે કે આમ આદમી પાર્ટી ((આપ)) અસલમાં કોંગ્રેસની બી ટીમ છે. વાત સાચી લાગે છે. કોંગ્રેસના દસ વરસના રાજથી પ્રજા કંટાળેલી હોવાની હવા ઊભી થઈ છે. અગાઉ પ્રજા પાસે કોંગ્રેસનો એક જ વિકલ્પ હતો : ભાજપ. હવે બે વિકલ્પ છે: ભાજપ અથવા આપ. પરિણામે કોંગ્રેસવિરોધી મત પોતાને જ મળવાને બદલે થોડા આપ પણ ખેંચી જાય એ વાતે ભાજપ ભારે ગુસ્સામાં છે. એ ગુસ્સો
એટલો જોરમાં છે કે ભાજપપ્રેમીઓ દ્વારા આપના નેતાઓની મારપીટ પણ થઈ રહી છે. શાંતિથી વિચારતાં એવું પણ લાગી શકે કે આપને લીધે ભાજપને લાભ છે.
દેશમાં અનેક નાનાં-મોટાં જૂથો અને માણસો એવા છે જેમને મોદી ધોળા ધરમેય નથી ખપતા. આવા લોકો પાસે અગાઉ ભાજપનો મુખ્ય એક જ વિકલ્પ હતો: કોંગ્રેસ. હવે બે વિકલ્પ છે: કોંગ્રેસ અથવા આપ. આ રીતે ભાજપવિરોધી મત વહેંચાઈ જવાથી ભાજપને ફાયદો થઈ શકે તેમ છે. સીધી વાત છે: અત્યારે દેશમાં સૌથી મોટો, ઊડીને આંખે ચઢે એવો જુવાળ કયો છે? નેચરલી, એ મોદીતરફી જુવાળ છે. આ જુવાળની સામે પડેલા પક્ષો અંદરોઅંદર જેટલા વધુ કપાઈ મરે એનો સૌથી વધુ લાભ કોને થાય? ભાજપને થાય. મતલબ કે મોદીવિરોધી મત આપ અને કોંગ્રેસ વચ્ચે વહેંચાવાથી ફાયદો મોદીને થવાનો છે. ટૂંકમાં, કોંગ્રેસનો સફાયો કરવામાં ભાજપને આપની મદદ મળી શકે તેમ છે એ શક્યતા નકારી શકાય નહીં.
ત્રીજી થિયરી એવી છે કે આપ કે ઇવન એમએનએસ કોઈની પણ બી ટીમ નથી. કોઈ કોઈનું નથી. કેજરીવાલ કોઈથી બી જઈને બી ટીમ બની જાય એવા નથી. એ તો ભાજપને પણ હરાવવા માગે છે અને કોંગ્રેસને પણ. એ આખી સિસ્ટમમાં જ ધરમૂળમાંથી ફેરફારો કરીને નોખા ચીલે નવસર્જન’ના મૂડમાં હોવાથી ભાજપ-કોંગ્રેસ બન્નેને નુકસાન કરશે એવી થિયરી બેબુનિયાદ તો નથી જ.તો, આ ત્રણમાંથી કઈ થિયરી તમને સાચી લાગે છે? આપથી કોંગ્રેસને લાભ છે? આપથી ભાજપને ફાયદો છે? કે આપને ફક્ત આપમાં જ રસ છે? કે પછી કોઈ ચોથી જ થિયરી સાચી છે? હા, એક ચોથી થિયરી પણ છે તો ખરી. એ થિયરી એવી છે કે પહેલી નજરે કોંગ્રેસ-ભાજપ આમનેસામને બાખડી રહ્યા હોવાનું લાગતું હોવા છતાં, કોંગ્રેસ ભાજપની બી ટીમ છે અને ભાજપ કોંગ્રેસની બી ટીમ છે. આમ પણ, ભ્રષ્ટાચાર-કોમવાદથી માંડીને બીજી અનેક બાબતે કોંગ્રેસ-ભાજપ વચ્ચે જમીન-આસમાનનો ફરક નથી. વળી, દિલ્હી વિધાનસભામાં જનલોકપાલ મુદ્દે ભાજપ-કોંગ્રેસે મળીને આપના વિરોધમાં મતદાન કરેલું એ તાજી જ ઘટના છે. આ સ્થિતિમાં ભાજપ અને કોંગ્રેસ જેવા કટ્ટર દુશ્મનો આપના મામલે જાણે-અજાણે, સમદુખિયા તરીકે એકમેકની બી ટીમ હોઈ શકે.
તો, આ ચારમાંથી તમને કઈ થિયરી સાચી લાગે છે? કે પછી ટઠરઅ - ટગ્ખ્ર્‍ ર્ઠં ર્રો‍ અૃગ્ત્ર્‍ ((ઉપરમાંથી કોઈ નહીં))?