• Gujarati News
  • નાર્વેકરે ઉદ્ધવને કહ્યા વિના જ વિધાન પરિષદની ચૂંટણીમાંથી પીછેહઠ કરી

નાર્વેકરે ઉદ્ધવને કહ્યા વિના જ વિધાન પરિષદની ચૂંટણીમાંથી પીછેહઠ કરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. મુંબઈ
મનસેને નજીક કરવાને મુદ્દે શિવસેના અને ભાજપના સંબંધોમાં ખટાશ આવી છે ત્યાં આજે શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને વધુ એક આંચકો આપતાં તેમને જણાવ્યા વિના જ પક્ષના રાહુલ નાર્વેકરે વિધાન પરિષદની ચૂંટણીમાંથી પીછેહઠ કરી છે.
આને કારણે કોંગ્રેસ અને ભાજપ બંને માટે વિધાન પરિષદની સ્થિતિ લાભદાયી બની અને બંનેના ઉમેદવારો બિનવિરોધ ચૂંટાઈ આવ્યા છે. કોંગ્રેસના નેતાઓ અને ભાજપના વિનોદ તાવડેએ આ દાવ રમીને શિવસેનાને ધોબીપછાડ આપી હોવાની ચર્ચાએ રાજકીય વર્તુળમાં માઝા મૂકી છે. વિધાન પરિષદની ચૂંટણી માટે મેદાનમાં નવ બેઠક માટે ૧૦ ઉમેદવાર હતા. આમાંથી કોંગ્રેસના હરીભાઉ રાઠોડ, શિવાજી દેશમુખ, ચંદ્રકાંત રઘુવંશી, એનસીપીના હેમંત ટકરે, કિરણ પાવસકર, અનંત ઠાકુર, ભાજપના વિનોદ તાવડે, પાંડુરંગ ફુંડકર અને શિવસેનાના નીલમ ગોરહે અને રાહુલ નાર્વેકરનો સમાવેશ થતો હતો.
ગુરુવારે સવારે પત્રકારો સાથે વાતચીત કરતી વખતે ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે બપોરે ૩.૦૦ વાગ્યા સુધી ઉમેદવારે પીછેહઠ કરવા માટે અંતિમ મુદત હોઈ કોણ એવું કરે છે તે સમજાતું નથી એમ જણાવ્યું હતું.
જોકે લગભગ તે જ સમયે નાર્વેકરે પીછેહઠ કરતાં સમાચાર વહેતા થતાં ઉદ્ધવને જાણ કર્યા વિના જ તેમણે પીછેહઠ કરીને કોંગ્રેસ અને ભાજપને ફાયદો કરાવી દીધો હોવાની ચર્ચાએ જોર પકડયું હતું.
ખુદ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણ અને વિનોદ તાવડેએ નાર્વેકરને પીછેહઠ કરવા માટે સમજાવ્યા હતા અને નાર્વેકરે પક્ષ પ્રમુખને જાણ કર્યા વિના આ પગલું લીધું હોવાની ચર્ચા છે. લોકસભાની ચૂંટણી માથે છે ત્યારે બની રહેલી આ ઉપરાછાપરી ઘટનાઓને લઈને ભાજપ અને શિવસેનાના સંબંધો વધુ તંગ બનશે એવાં ચિહનો દેખાઈ રહ્યાં છે.