• Gujarati News
  • સંખેડા તા.માં સસ્તા અનાજની કુપનો માટેનું સર્વર ડાઉન થતાં લોકોને ધક્કા

સંખેડા તા.માં સસ્તા અનાજની કુપનો માટેનું સર્વર ડાઉન થતાં લોકોને ધક્કા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . સંખેડા
સંખેડા તાલુકાના ઘણાં અંતરિયાળ ગામોમાં સસ્તા અનાજની દુકાનોમાંથી અનાજ લેવાની કુપનો સર્વર ડાઉન ચાલતું હોવાથી ખૂબ ધીમે-ધીમે નીકળે છે. જયારે કેટલાક કેન્દ્ર પર કુપનો નીકળતી નથી. જેથી ગ્રાહકોને હાલાકી વેઠવાનો વારો આવે છે. ત્યારે જવાબદાર તંત્ર દ્વારા કાર્યવાહી કરી લોકોને તાત્કાલીક સુવિધા મળી રહે તે માટે કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માગણી છે.
સસ્તા અનાજની દુકાનમાંથી અગાઉ ગ્રાહકોને સીધી જ દુકાનમાંથી પાવતી મળતી હતી અને તે પાવતીની મદદથી દુકાનમાંથી અનાજ ખરીદતા હતા પણ હવે આ સિસ્ટમ બદલાઇ છે. હવે જે તે સસ્તા અનાજ દુકાનેથી અનાજ ખરીદવા માટે ગ્રાહકને કમ્પ્યૂટરની ઓનલાઇન સિસ્ટમ ચાલતી હોય ત્યાંથી પાંચ રૂપિયા ખર્ચીને કુપન કઢાવવી પડે છે અને તે કુપન લઇને ગ્રાહક દુકાને જઇને અનાજ ખરીદે છે.
ઓનલાઇન કુપન કાઢવા માટે ઇન્ટરનેટની ઝડપી સુવિધા ગ્રામ્ય વિસ્તારોમાં કેટલીક જગ્યાએ નહીં હોવાથી ગ્રામ્ય વિસ્તારમાંથી ઘણાં લોકો કુપન કઢાવવા માટે સંખેડા ખાતે આવે છે અને ખાનગી દુકાનોમાંથી ઓનલાઇન કુપનો કઢાવે છે. આ કુપનો કઢાવવા માટે આદિવાસી શ્રમજીવી લોકોને સૌથી વધારે હાલાકી ભોગવવી પડે છે. આજે જ સંખેડા ખાતે સંખેડા તાલુકાના કેટલાય ગામોના આદિવાસી રેશનકા‌ર્ડ‌ ધારકો કુપનો કઢાવવા માટે આવ્યાં હતાં. પણ અહીંયા કુપનો કાઢતી વેબસાઇટનું સર્વર ખૂબ જ ધીમું ચાલતું હોવાથી કુપનો નીકળતી નહોતી. ખાગની દુકાનવાળાના જણાવ્યા મુજબ ગઇકાલથી સર્વર ધીમું ચાલે છે. જ્યારે કુપનો કઢાવવા આવેલાઓ પૈકી કેટલાક તો રોષપૂર્વક જણાવતા હતા કે, અમે અમારો મજૂરીનો રોજ છોડીને ગાંઠનું ભાડું ખર્ચીને કુપન કઢાવવા માટે આવ્યા છીએ પણ કુપન નહીં નીકળતા અમારે ધક્કો માથે પડયો હોય એમ જણાય છે.